મુખ્ય વન સંરક્ષકે દીપડાના આતંકને લઈ ઘોઘંબા તાલુકાની લીધી મુલાકાત
🎬 Watch Now: Feature Video
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાના આતંક મચાવ્યા બાદ દિપડાને પાંજરે પુરવા માટે વનવિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક વનવિભાગને દીપડો હાથે ન લાગતાં સુરત વન વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. એક્સપર્ટની મદદ લીધા બાદ પણ દીપડો પાંજરે પુરાયો ન હતો. દીપડાને પકડવા માટે મુકેલા પાંજરામાં પશુનું મારણ કરી બે વખત ફરાર થઇ ગયો હતો. ત્યારે વડોદરા રેન્જના સીસીએફ ઘોઘંબા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા. ઘોઘંબાની મુલાકાતે આવેલા વડોદરાના સીસીએફ દ્વારા ગોયાસુંડલ ગામ તેમજ તેની આસપાસના વિસ્તારમાં વનવિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરાઓની સ્થળ તપાસ કરી હતી. વનવિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ સમીક્ષા તેમજ માહિતી મેળવ્યા બાદ વડોદરાથી આવેલા સીસીએફ દ્વારા સ્થાનિક વનવિભાગ તેમજ સુરતથી બોલાવવામાં આવેલી વનવિભાગની ખાસ ટીમને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. સીસીએફની મુલાકાત બાદ વનવિભાગ દ્વારા ગોયાસુંડલ ગામના જંગલ વિસ્તારમાં મૂકવામાં આવેલા 11 જેટલા પાંજરા પૈકીના ખામીયુક્ત પાંજરાઓ બદલી અને હવે નવા પાંજરા દીપડાને ઝડપી પાડવા માટે મૂકવામાં આવ્યા છે.