વડોદરાની કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલના વધુ 6 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - વડોદરામાં વધતું કોરોના સંક્રમણ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરની કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોરોના વાઈરસ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં રોજેરોજ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. તેવામાં મેન્ટલ હોસ્પિટલ પણ કોરોના વાયરસના ભરડામાં સપડાઇ છે. મંગળવારે 2 દર્દીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ શુક્રવારે વધુ 6 દર્દીને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેના કારણે હોસ્પિટલમાં તાત્કલિક ધોરણે સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. મેન્ટલ હોસ્પિટલમાં 216 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત માનસિક દર્દીઓની મનોસ્થિતિ યોગ્ય ન હોવાથી તેઓ તાવ, શરદી, ખાંસી જેવી બીમારીઓ વર્ણવી શકતા નથી. આ અંગે મેન્ટલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેટ ડૉ.રાકેશ શાહે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં તમામ કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે માસ્ક, હેન્ડગ્લોઝ પહેરવા બાબતે સખત નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જે સંક્રમિત દર્દીઓ છે તેની માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને બને તેટલા સાવચેતીના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવી રહ્યા છે.