Surat Crime : બજારમાં છૂટા હાથની મારામારી કરી ભય ઊભો કરનારા ઇસમોને પોલીસે પાઠ ભણાવ્યો - કીમ
🎬 Watch Now: Feature Video
સુરત : ઓલપાડ તાલુકાના કીમ ગામે ઓટલા પર બેસવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.પોલીસે બંને જૂથના આરોપીઓને ઝડપી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને કીમ બજારમાં લઈને ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી. બન્ને જૂથના ટોળા કીમ ગામની બજારમાં સામ સામે થઈ ગયા હતાં. બે જૂથના લોકોએ એકબીજા પર ધોકા, સળિયા છુટ્ટા પથ્થર મારી અપશબ્દો બોલી ભારે ધમાલ મચાવી હતી.
લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા : જાહેરમાં બનેલી આવી ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. બન્ને જૂથના લોકોએ 15થી 20 મિનિટ સુધી કીમ બજારમાં મારામારી કરી ભયનો માહોલ સર્જી દીધો હતો.જેમાં ઘણા ઇસમોને ઈજાઓ પણ થઈ હતી. હાજર એક વ્યક્તિએ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી જે વિડિયો પણ સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થયા હતાં.
કીમ પોલીસે આરોપીની અટક કરી : કીમ બજારમાં બનેલી ઘટનાની જાણ કીમ પોલીસને થયા કીમ પોલીસ મથકના પીએસઆઈ રાજપુત સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જાહેરમાં બબાલ કરનાર બન્ને જૂથના આરોપીને ઝડપી લીધા હતા. ગુનામાં વપરાયેલ લાકડાના ફટકા,સળિયા સહિતની વસ્તુઓ કબજે કરી લીધી હતી., ઇજાગ્રસ્ત ઇસમોને હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નજીવી બાબતે મારામારી : અસામાજિક તત્વોએ કરેલા કૃત્યને લઈને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. પોલીસ આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ થઈ હતી ત્યારે પોલીસ આરોપીઓને ઝડપી પોલીસ મથકે લઇ ગઈ હતી અને ક્યાં કારણોસર બબાલ થઇ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઓટલા પર બેસવાની ના પાડતા બન્ને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો અને જોતજોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું : બનેલી ઘટનાને લઈને ઈસમોએ લોકોમાં એક ભયનો માહોલ ઉભો કર્યો હતો, જેથી પોલીસે જાહેરમાં મારામારી કરનાર ઇસમોને કાયદાનું ભાન કરાવાનું નક્કી કર્યું હતું. તમામ આરોપીઓને કીમ બજારમાં લઈ લઈ જાહેર જનતાની માફી મંગાવી હતી અને કાન પકડાવી ઊઠક બેઠક કરાવી હતી. આ દ્ર્શ્યો જોવા લોકો એકત્ર થયા હતાં. આ સમગ્ર મામલે સુરત ગ્રામ્યના DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ કીમ પોલીસ પહોંચી હતી. ઓટલા પર બેસવાના મુદ્દે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે હાલ બન્ને જૂથના 8 આરોપીઓની અટક કરી લીધી છે અને તેઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.