રેતીના વેપારીની કાર આંતરી લૂંટ મચાવી ઢીબી નાંખ્યો અને ગાડીની તોડફોડ કરાઇ, કામરેજ પોલીસે ગુનો નોંધ્યો
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 2:54 PM IST
સુરત : કામરેજ તાલુકાના લસકાણા - ખોલવડ રોડ પર અલ્પેશ ડોંડા નામના વેપારીને કેટલાક ઈસમોએ આતંરીને માર મારી લૂંટી લીધો હતો. જેમાં રેતીના વેપારી દ્વારા 8 ઈસમો વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી હતી. રેતીના વેપારી લસકાણા ખોલવાડ રોડ પર એન્જલ પેલેસમાં રહેતા 39 વર્ષના અલ્પેશ બાબુ ડોડા (પટેલ) મૂળ રહે. ગારીયાધર, જિ. ભાવનગરના વતની છે. તેઓ રેતી કાર્ટિંગનો ધંધો કરે છે. કાર્ટિંગ એજન્ટ પોતાની એક્સયુવી કાર લઈને જઈ રહ્યા હતાં. ત્યારે પોલીસ કેસની જૂની અદાવતમાં આઠ શખ્સોએ લક્ઝરી બસ આડે મૂકી આંતરી હતી. આ શખ્સોએ લોખંડના પાઈપોથી અલ્પેશ ઉપર હુમલો કરી માર મારી ડાબા પગે તેમજ હાથે ફ્રેક્ચર કરી ગાડીને નુકસાન કર્યુ હતું. તેમજ હુમલાખોરોએ ગાડીમાં મૂકેલા 1.31 લાખ રોકડા, 2.50 લાખની રુદ્રાક્ષની સોનાની માળા, 40 હજાર કિંમતની આંગળીમાં પહેરેલી વીંટી તેમજ 60 હજાર કિંમતની વધુ એક વીંટી મળી કુલ 4.81 લાખની મતાની ધાડ કરી ભાગી છૂટ્યાં હતાં. ફરિયાદી અલ્પેશ ડોડાએ કામરેજ પોલીસ મથકે આશિષ ઉર્ફે મનોજ નાનજી વીરડિયા (રહે. વર્ણીરાજ એપાર્ટમેન્ટ, સરથાણા, સુરત) સહિત સાત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધાડનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. કામરેજ પોલીસ મથકના પીઆઇ ઓ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદ આધારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.