Morbi Bridge Collapse : મૃતકોના પરિજનોને 10 લાખના વળતરથી અસંતોષ, તેમને શું જોઇએ છે જાણો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં આજે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના મામલે વચગાળાના વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિવારને 10 લાખ રુપિયા અને અને ઈજાગ્રસ્તને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવા આરોપી ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને હુકમ કર્યો છે. ત્યારે સુનાવણીમાં હાજર રહેલા પરિવારજને પ્રતિક્રિયા આપી હતી.
આરોપીઓને સજાની માગ : ગુજરાત હાઈકોર્ટના આ હુકમ અંગે એક વૃદ્ધા કે જેમની પુત્રવધૂનું દુર્ઘટનામાં મોત થયું હતું, તેમણે જણાવ્યું કે, 10 લાખના વળતરથી અમારે કાંઇ ન થાય. અમારું માણસ જેવું માણસ જતું રહ્યું છે. ત્યારે આરોપીઓને પૂરેપૂરી સજા મળે તેવું ઇચ્છીએ છીએ. આ વૃદ્ધા પુત્રવધૂના 3 સંતાનો માટે તેમની માતાના મોતનો ન્યાય માગવાની વાત દોહરાવી રહ્યાં હતાં.
મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના : 30મી ઓક્ટોબર 2022ની સાંજે મોરબી ઝૂલતા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઇ હતી. આ કરુણાંતિકામાંં 135થી વધુ લોકોના મોત થયા હતાં. આ દુર્ઘટનાના પીડિત પરિવારો આજે વળતર મુદ્દે સુનાવણી હોવાથી અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ આવ્યાં હતાં. અહીં તેમણે યોગ્ય ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે દરેક મૃતકના પરિવારજનોને આરોપી જયસુખ પટેલને 10 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવું પડશે અને ઇજાગ્ર્સ્તોને 10 લાખ રુપિયાનું વળતર ચૂકવવું પડશે. આ સમયે હાઇકોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે જેમના જીવ ગયા છે એમના જીવતો પાછા નહીં આવે. અહીં તો માત્ર વળતર ચૂકવવાનો પ્રયાસ થઈ શકે તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.
આરોપી જયસુખની દલીલ સામે હાઇકોર્ટે શું કહ્યું : હાઇકોર્ટે વળતર મુદ્દે હુકમ કર્યો તે પહેલા આરોપી જયસુખ પટેલે 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની તૈયારી બતાવી હતી. આ સમયે હાઇ કોર્ટે કહ્યું હતું કે આ વળતર હજી ઓછું છે. ત્યારે જયસુખ પટેલના વકીલે જણાવ્યું છે કે અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આ રીતે આપી શકીએ એમ છીએ. રાજ્ય સરકારને HCની ટકોર છે કે આ ગોઝારી દુર્ઘટનામાં કોઈએ સંતાન તો કોઈએ માતાપિતા ગુમાવ્યા છે. આ વળતર તમે કેવી રીતે ચૂકવશો. તેના જવાબમાં સરકારે જણાવ્યું છે કે બેન્ક દ્વારા જ વળતર મળે તેવી વ્યવસ્થા કરી છે.
ઓરેવા ગ્રુપની જવાબદારી : આપને જણાવીએ કે, મોરબીના ઐતિહાસિક ઝૂલતા પૂલના સમારકારમ અને મેઈન્ટેનન્સની 15 વર્ષ માટેની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવામાં આવીં આવી હતી. ઓરેવા ગૃપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને ભારે હોબાળા બાદ આ કેસમાં મુખ્ય આરોપી બનાવાયાં હતાં. આરોપીઓ પ્રત્યે કૂણુંવલણ જોતાં હાઇકોર્ટે સુઓમોટો લીધો હતો. તે ઉપરાંત આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી જેમણે વાસ્તવિક રીપોર્ટ આપ્યો હતો. જેને પગલે મોરબી પોલીસે ઝૂલતા દૂર્ઘટનામાં ત્રણ મહિના બાદ ચાર્જશીટ દાખલ કરી હતી.જે બાદ જયસુખ પટેલે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું અને હવે તે જેલહવાલે છે.