Cyclone Biparjoy : માંડવી બીચ પર દરિયો ગાંડોતૂર બન્યો, પોલીસ દ્વારા લોકો માટે નો-એન્ટ્રી કરવામાં આવી - Biparjoy Cyclone hit Gujarat
🎬 Watch Now: Feature Video
કચ્છ: બિપરજોય હવે જખૌથી 110 કિલોમીટર દૂર છે. આજે રાત્રે 9થી 10 કલાક વચ્ચે આ વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાએ રફતાર પકડતા માંડવી બીચ પર દરિયો ગાંડોતૂર બન્યો છે. વાવાઝોડાની ભયાવહ અસર વચ્ચે દરિયામાં પાણી બે ગણો વધ્યા છે. જેને પગલે દરિયાના મોજા ખાણીપીણીના સ્ટોલ સુધી આગળ પહોંચ્યા છે. બીચ પર મૂકેલા સ્ટોલ, શેડ સહિત વસ્તુઓમાં નુકસાન પહોંચ્યું છે. દરિયાના પાણી ફરી વળતાં પોલીસ દ્વારા માંડવી બીચને બધા માટે બંધ કરાયો છે. વાવાઝોડાના જોખમને જોતા બીચ પર પોલીસ સિક્યોરિટી અને મીડિયા કર્મીઓને પણ હવે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
વાવાઝોડાને પહોંચી વળવા તમામ તૈયારીઓ: હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. વાવાઝોડું રાત્રે 9થી 10 વાગ્યાની આસપાસ ટકરાશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમજ પવનની ગતિ પણ 115-125 kmph રહેવાની સંભાવના છે. તંત્ર દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે પવન ફૂંકાવાને કારણે અનેક સ્થળો પર વૃક્ષો, વીજપોલ અને શેડ ધરાશાયી થયાં છે.