Truck Fire: ઘાસ ભરેલી ટ્રકમાં આગ ભભુકી ઉઠી, મોટી જાનહાનિ ટળી
🎬 Watch Now: Feature Video
પાટણ: સાંતલપુર તાલુકાના સિધાળા ગામ નજીક હાઇવે ઉપરથી પસાર થતી ઘાસ ભરેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની લપેટમાં ઘાસ અને ટ્રક બળીને ખાખ થયા હતા. ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આગને પગલે આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ટ્રક હાડપીંજરમાં ફેરવાઈ ગઈ હતી. બનાવની જાણ નજીકના ફાયર બ્રિગેડને કરતાં ફાયર ફાયટરો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે આગને કારણે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ઘાસ અને ટ્રક સળગતા મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે ધ બર્નીંગ ટ્રકને કારણે હાઇવે પરનો વાહન વ્યવહાર થોડીવાર માટે થંભી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘાસ ભરેલી ટ્રક સીધાડા ગામમાંથી ઘાસ ભરીને ટ્રક હાઇવે માર્ગ ઉપર જઈ રહી હતી તે દરમિયાન લટકતા વીજ વાયરને ઘાસ આડતા એકાએક આગ ભભૂકી ઊઠી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે વીજ કંપની દ્વારા આવા નીચા વીજ વાયરોને ઊંચા કરવામાં આવે તો આવી આગની ઘટનાઓ બનતી અટકાવી શકાશે.