બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ, સુરેન્દ્રનગરમાં NSUIના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી - સુરેન્દ્રનગર સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં સુરેન્દ્રનગરમાં NSUIએ પરીક્ષા સમય દરમિયાન છાત્રો મોબાઈલમાંથી ચોરી કરતા હોવાનું મીડિયા સમક્ષ ઉજાગર કર્યું હતું. આ મામલે અનેક જિલ્લામાં ઉમેદવારો દ્વારા બહોળા પ્રમાણમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઉમેદવારો દ્વારા પરિક્ષા રદ કરવાની માગ કરવામાં આવી હતી. પંરતુ હવે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બંને પરીક્ષાઓ રદ કરી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, શહેર પ્રમુખ કમલેશ કોટેચા, એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા, વિજયસિંહની આગેવાની હેઠળ કાર્યકરો ઉપસ્થિત રહીને ફટાકડા ફોડી તેમજ 'છાત્ર એકતા જીંદાબાદ'ના સૂત્રોચ્ચાર પોકારીને વિજયને વધાવ્યો હતો. તેમજ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. તેમજ સુરેન્દ્રનગર સેન્ટર ઉપર જે ૨ સેન્ટરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તે બાબતે ઝડપથી ફરિયાદ નોંધવા અને ફરીથી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખો ઝડપથી જાહેર કરવાની પણ માગ કરવામાં આવી હતી.