- ગર્ભધારણના પ્રયાસ કરતી મહિલાઓ માટે ઉપયોગી માહિતી
- નિષ્ણાત તજજ્ઞ તબીબો દ્વારા માર્ગદર્શન આપતું ETV Bharat Sukhibhav
- કેવો હોવો જોઇએ ખોરાક અને કેવી જોઇએ જીવનશૈલી, જાણો
ડોક્ટરોનું માનવું છે કે જો કોઈ મહિલા ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી રહી હોય તો તેના માટે સૌથી મહત્વની વસ્તુ પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહાર છે. જેથી તેનું શરીર સ્વસ્થ રહે અને પ્રજનન ક્ષમતા વધારી શકાય. જેથી તેની ઓવ્યુલેશન પ્રક્રિયા વધુ સારી બની શકે. વરિષ્ઠ સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડો.વિજયલક્ષ્મી જણાવે છે કે પ્રજનન અને પોષણ વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. એટલું જ નહીં, મહિલાઓના આહાર, વજન, ધૂમ્રપાન અથવા નશાની ટેવનું પ્રમાણ શરીરમાં હોર્મોન્સમાં અસંતુલન પેદા કરી શકે છે જે વંધ્યત્વનું કારણ પણ બની શકે છે.
સંતુલિત અને સંપૂર્ણ પોષણથી ભરપુર ભોજન જરુરી
દિલ્હી સ્થિત ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા કહેે છે કે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરતી મહિલાઓનો આહાર વિટામિન, ખનીજ, ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી સમૃદ્ધ હોવો જોઈએ. જેથી તેમનું શરીર નિરોગી અને સ્વસ્થ રહે. જેનાથી તેઓ ગર્ભાવસ્થાને કારણે શરીરમાં થતાં ફેરફારોને સહન કરી શકે છે. એવી સ્ત્રીઓ જે સગર્ભાવસ્થા માટે કોઈ ખાસ પ્રકારની સારવાર લઈ રહી છે, તો તેમણે તબીબી સલાહ પ્રમાણે ન્યુટ્રિશનિસ્ટની મદદથી ડાયેટ ચાર્ટ બનાવવો જોઈએ. જેથી તેઓ જાણી શકે કે તેમણે ક્યારે અને કેટલું ખાવું જોઈએ.
ગર્ભ ધારણ માટે મહિલાઓએ ખોરાક સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાંથી કેટલાક નીચે જણાવીએ છીએ.
- આવા સમયે મહિલાઓએ પોતાના આહારમાં દૂધની બનાવટોનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં મળે છે. તે પ્રજનનક્ષમતા વધારવાનું કામ તો કરે જ છે, સાથે હાડકાંને પણ મજબૂત બનાવે છે. તેથી, મહિલાઓએ નિયમિતપણે દૂધ, દહીં, ઇંડા અને માછલી જેવા ડેરી ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ.
- લીલા પાંદડાવાળા શાકભાજી, ખાસ કરીને બીટા કેરોટિન ધરાવતી શાકભાજીઓ ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરતી મહિલાઓના આહારમાં હોવી જોઈએ. લીલા શાકભાજીમાં આયર્ન, ફોલિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે, તે શરીરમાં બીટા કેરોટિનની જરૂરિયાત પણ પૂરી કરે છે. તેનું સેવન મહિલાઓના હિમોગ્લોબિનમાં વધારો કરે છે એટલું જ નહીં તેમના એકંદર સ્વાસ્થ્યને પોષણ સુરક્ષા પણ આપે છે.
- આ મહિલાઓ માટે પૂરતા પ્રમાણમાં ઓમેગા -3 નું સેવન કરવું પણ ખૂબ જરૂરી છે. જેના માટે મહિલાઓએ નિયમિત રીતે બદામ, અખરોટ અને માછલીને પોતાના આહારમાં સામેલ કરવી જોઈએ. આ ત્રણેય વસ્તુઓમાં ઓમેગા -3 વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ઓમેગા -3 નું સેવન માત્ર ગર્ભધારણ કરવાની કોશિશ કરતી સ્ત્રીઓમાં જ નહીં, સગર્ભા સ્ત્રીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે.
- મહિલાઓએ તેમના આહારમાં આખું અનાજ, ઘઉંની રોટલી, બ્રાઉન રાઇસ અને કઠોળ જેવા ફાઇબરથી ભરપૂર ખોરાકની માત્રા વધારવી જોઇએ. તે પાચન તંત્રને મજબૂત કરવા સાથે પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે.
- ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરતી મહિલાઓએ પોતાના નિયમિત આહારમાં વધુ ફળોનો સમાવેશ કરવો જોઈએ. નારંગી, સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને કિવિ ફળો જેવા ફળો વિટામિન સીથી સમૃદ્ધ છે. મહિલાઓના શરીરને ગર્ભધારણ માટે સક્ષમ બનાવવામાં મદદ કરે છે.
વ્યાયામ અને યોગ્ય જીવનશૈલી પણ જરુરી
ડૉ. વિજયલક્ષ્મી જણાવે છે કે પૌષ્ટિક આહાર સાથે નિયમિત કસરત પણ મહિલાઓની પ્રજનનક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. આ સાથે મહત્વપૂર્ણ છે કે મહિલાઓએ તેમની જીવનશૈલીને પણ સંતુલિત કરવી જોઈએ અને એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જે ખાસ કરીને પ્રજનનક્ષમતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે. જેમ કે ધૂમ્રપાન અને ડ્રગની આદત, મોડા સુધી જાગતાં રહેવાની આદત, ભોજન સંબંધી અયોગ્ય ટેવ જેમ કે મોડા ખાવું કે ગમે તે ખાઈ લેવું જેવી આદત. આ સાથે, નિયમિત કસરત શરીરની સક્રિયતા વધારે છે અને શરીરના તમામ તંત્રનું સ્વાસ્થ્ય સુધારે છે.
ગર્ભધારણનો પ્રયાસ કરતી મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેઓ માનસિકસ્તરે શાંત, હળવાશભર્યાં અને ખુશ રહેે. આ સિવાય પ્રોસેસ્ડ ફૂડ અને શર્કરાયુક્ત પ્રવાહી જેમ કે સોડા અને અન્ય એનર્જી ડ્રિંક્સ લેવાના પણ ટાળો કેમ કે તે પણ વંધ્યત્વનું કારણ બની શકે છે.
આ પણ વાંચોઃ PCOS મહિલાઓને વંધ્યત્વ તરફ લઈ જઇ શકે છે
આ પણ વાંચોઃ જાણો કયા-કયા પોષક તત્વો શરીરને બનાવે છે સ્વસ્થ, શરીરમાં શું હોય છે તેમનું કાર્ય