વલસાડ : આદિવાસી વિસ્તારમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજમાં હોળી હોય દિવાળી હોય કે પછી શિવરાત્રી દરેક વ્યક્તિ જે રોજી રળવા માટે અન્ય શહેરોમાં વસવાટ કરતા હોય તેવો પણ આવા તહેવારને પગલે પોતાના ઘરે આવતા હોય છે અને ખાસ કરીને શિવરાત્રીની વાત કરીએ તો શિવરાત્રી દરમિયાન મેળામાં ફરવું અને તેમના પરિવાર માટે મેળામાંથી મીઠાઈ અને ફરસાણ લઈ જવું એ તો જાણે એક રિવાજ જ થઇ ગયો છે. જેને લઇને શિવરાત્રિના મેળામાં અનેક ફરસાણની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળે છે.
શિવરાત્રીની પૂર્વસંધ્યાએ જ્યારે કપરાડા તાલુકાના બાલચોંડી ગામે આવેલા ભુવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં લાગતા મેળાની મુલાકાત લેવામાં આવી, ત્યારે અહીંના વેપારી જેઓ છેલ્લા દસ વર્ષથી ફરસાણની દુકાન લગાવે છે. તેેઓએ જણાવ્યું કે એક દિવસમાં તેમને ત્યાંથી અંદાજે ૨૦૦૦ કિલો જેટલી મીઠાઈ તેમાં પણ જલેબીનું વેચાણ સૌથી વધુ જોવા મળે છે. આમ, એક સામાન્ય ગણતરી કરીએ તો અહી ૪૦ જેટલી દુકાનો લાગે છે અને આ ચાલીસ દુકાને ગણતરી કરીએ તો બે દિવસમાં ૮૦ હજાર કિલો જેટલી જલેબીનું વેચાણ માત્ર શિવરાત્રીના મેળામાં થઈ જતું હોય છે તો સાથે સાથે અન્ય મીઠાઈઓ જેવી કે મહેસુર, મોહનથાળ, સુતરફેણીનું પણ વેચાણ મેળામાં ફરવા આવેલા લોકો ખરીદી કરીને પોતાની સાથે પરિવાર માટે ઘરે લઈ જતા હોય છે અને તે માટેની પૂર્વતૈયારી રૂપે અનેક દુકાનદારોએ મીઠાઈઓ બનાવવાની શરુ કરી દીધી છે.
અત્રે નોંધનીય છે કે અહીં મોટાભાગની દુકાનો ફરસાણની છે અને લોકો મેળામાં ફરવા તો આવે છે પણ સાથે સાથે તેમના પરિવાર માટે મીઠાઈની ખરીદી કરી લઇ જતાં હોય છે અને આ વર્ષે પણ મોટી જનમેદની આ મેળામાં ઉમટશે.