- વલસાડનો મજૂર વર્ગે પકડી રાજસ્થાનની વાટ
- લૉકડાઉન થવાના ભયથી મજૂરો પરત ફર્યા
- ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાનો મજૂરોમાં ભય
- મજૂરો ખાનગી બસોમાં પરત ફરી રહ્યા છે વતન
વલસાડઃ વાપી ખાતે આવેલી એક માત્ર જીઆઇડીસીમાં 3 હજારથી વધુ કંપની આવેલી છે અને આ કંપનીમાં મજૂરી કામ કરનારા મજૂર વર્ગના લોકો ઉત્તર ભારતીય કે રાજસ્થાન કે ઓરિસ્સાથી આવીને અહીં વસવાટ કરે છે અને મજૂરી કામ કરે છે, પરંતુ છેલ્લા 5 દિવસમાં જે રીતે ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે અને સરકારે રાત્રિ કરફ્યૂ મૂક્યો છે તેને જોતા ગુજરાતમાં પણ લૉકડાઉન થવાની બીકના કારણે મજૂર વર્ગ ચિંતામાં છે. લૉકડાઉનની ભીતિને કારણે અગાઉ એક વાર અનેક મૂશ્કેલી વેઠીને વતન સુધી પહોંચનારા મજૂર વર્ગના લોકો ડરને મારે ખાનગી બસો દ્વારા પોતાના વતન તરફની વાટ પકડી રહ્યા છે એમાં પણ રાજસ્થાનમાં લૉકડાઉન થયું હોવાની જાહેરાત બાદ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ માટે આવેલ રાજસ્થાની મજૂરી વર્ગ પરત થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
નોટિફાઈડ અને લોકલ લેવલના કર્મચારીઓ દેખરેખ અને કામગીરી કરશેઃ જિલ્લા કલેકટર
વાપી જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ માટે આવેલા લોકો લૉકડાઉન થવાની ભીતિના કારણે ડરને મારે પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. આ સમગ્ર બાબતની જાણકારી માટે જ્યારે જિલ્લા કલેકટર આર. રાવલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, આ સમગ્ર બાબતે તેમને કોઈ જાણકારી નથી અને જો આવું કંઈક હશે તો લોકલ ઓથોરિટી એટલે કે નોટિફાઇડ અને વાપી મામલતદાર તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
મોટા ભાગનો મજૂર વર્ગ લક્ઝરી બસો દ્વારા પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. જોકે આ સમગ્ર બાબતે જ્યારે ગુજરાત એસટી વિભાગના વાપી અને વલસાડનો સંપર્ક કરતાં માલૂમ પડ્યું કે, આવા કોઈ પણ લોકો માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી નથી અને આ બાબતની તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી નથી. જો સરકાર તરફથી કોઈ વિશેષ ઓર્ડર મળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કોઈ પણ મજૂર વર્ગ વતન જઈ નથી રહ્યાઃ વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા મજૂર વર્ગ કોઈ પણ પોતાના વતન તરફ ગયા નથી અને જશે પણ નહીં અને હાલમાં જે જવાની વાતો આવી રહી છે એ તમામ લોકો રાજસ્થાની છે અને રાજસ્થાનમાં પણ નાઈટ કરફ્યૂ થયુ હોવાથી અહીં આગળ જે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરતા મજૂર વર્ગ છે. તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા છે માટે ઈન્ડસ્ટ્રીમાંથી તો કોઈ પણ વ્યક્તિ પરત જાય એવી કોઈ શક્યતા નથી અને હાલ ઈન્ડસ્ટ્રી ખૂબ યોગ્ય રીતે ફરી ધમધમી રહી છે.