ઉનાળાના બળબળતા તાપથી બચવા કારચાલકો કારમાં AC ચાલુ કરી ઠંડકનો એહસાસ માણતા માર્ગો પર નીકળે છે. ત્યારે આ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા ટ્રાફિક બ્રિગેડના જવાનો રીતસરના તાપમાં પોતાનો પરસેવો પાડીને પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવી જ ફરજપરસ્ત ભિલાડની મહિલા કર્મચારી નિમા હાલ પ્રશંસાને પાત્ર બની છે. પોતાની ફરજને પ્રાધાન્ય આપી ધોમધખતા તાપમાં પણ માથાના દુખાવા સમાન બનેલી ભિલાડ રેલવે ગરનાળાની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા સમયસર ફરજ બજાવતી તથા ટ્રાફિક કાયદો વ્યવસ્થા સંભાળતી TRBની મહિલા કર્મચારી નિમા નરેશ દાસ હાલ વાહનચાલકો માટે પ્રસંશાને પાત્ર બની છે. ઉમરગામ તાલુકામાં ભિલાડ સેન્ટર હોવાથી ટ્રાફિકની સમસ્યા ખુબ મોખરે રહી છે. ભીલાડ, સરીગામ તથા ઉમરગામના ઔદ્યોગિક વિકાસ બાદ જિલ્લાના ખૂણેખૂણેથી વાહનચાલકો પોતાના વાહન સાથે નોકરી ધંધા-અર્થે આ વિસ્તારમાં આવતા જતા હોય છે. આ તમામ માટે ભિલાડ ખાતેનું રેલવે ગરનાળુ મહત્વનો શોર્ટકટ માર્ગ છે. જેને કારણે અહીંની ટ્રાફિક સમસ્યા ખૂબ વકરી છે.
સવારથી રાત સુધી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બનતી હોય છેલ્લા 1 વર્ષથી અહીં ટ્રાફિક નિયમન માટે TRBના જવાનોને તૈનાત કરાયા છે. જેમાં વલસાડની રહેવાસી ગરીબ પરિવારમાંથી આવતી નિમા નરેશ દાસ છ મહિના અગાઉ અર્ધસરકારી ટ્રાફિક બ્રિગેડ (TRB)માં નોકરી અર્થે જોડાઇ હતી. હાલ તે 6 માસથી ભિલાડ રેલવે ગરનાળા પાસે ટ્રાફિકનું નિયમન કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ નિમા પોતાની ફરજ બજાવી રહી છે. જે જોઈને અહીંથી પસાર થતા વાહનચાલકો પણ તેની પ્રસંશા કરે છે. જેમ પોતાના પરિવારના સભ્યોને છાંયડામાં રાખી ભેળ, આઈસ્ક્રીમ વેચનારા ફેરિયાઓ, લુહારી કામ કરતા લુહાર, બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો બળબળતા તાપને સહન કરે છે. તેમ આ ટ્રાફિક જવાનો પણ પોતાની ફરજ માટે AC કારમાં જતા આવતા કાર ચાલકો, બાઇક ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી પોતે ફળફળતા તાપમાં પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.