અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. આ હવાના પ્રદૂષણના કારણે શહેરીજનોના સ્વાસ્થ્યને મોટી અસર પહોંચી રહી છે. હવાનો AQI (Air quality index) સુધારવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AQIને લઈને AMCનો અગત્યની નિર્ણય: શહેરમાં વધતા જતા હવાના પ્રદૂષણને જોતા કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્સર મૂકવામાં આવશે. જેને આધારે હવાનો AQI માપી શકાશે. જો સ્થિતિ ગંભીર કે ચિંતાજનક દેખાય તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીધું બઝર વાગશે અને કોર્પોરેશન દ્વારા ત્યાં હવા શુદ્ધ કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે.
ક્યાં ક્યાં સેન્સર લગાડવામાં આવશે?: શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ 100 જગ્યાઓ પર AQI સેન્સર લગાડવામાં આવશે. જેનું મોનિટરિંગ પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી કરવામાં આવશે. આમ જો વાત કરવામાં આવે તો શહેરમાં માર્ગો પર 500 થી 700 મીટરના અંતરે આ સેન્સર લગાવવામાં આવશે.
"મહાનગરપાલિકાનો ઉદ્દેશ્ય છે કે, તંદુરસ્ત હવા, સ્વચ્છ હવા મળી રહે" - દેવાંગ દાણી ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, AMC
સેન્સરથી શું ફાયદો થશે?: શહેરના વિવિધ 100 સ્થળો પર AQI સેન્સર મશીન મૂકવામાં આવશે. તે મશીન 24 કલાક ત્યાંનું AQI સતત બતાવતું રહેશે. જો પરિસ્થિતિ ગંભીર કે ચિંતાજનક જણાય એટલે કે, હવા વધુ પ્રદૂષિત જણાય તો પાલડી ખાતે આવેલ કંટ્રોલરૂમમાં સીધું એક બઝર વાગશે અને ખબર પડશે. જે તે વિસ્તારની હવા વધુ પ્રદૂષિત બની છે, ત્યારે કોર્પોરેશન દ્વારા સીધા પગલા લેવામાં આવશે અને તે વિસ્તારમાં જઈને પાણીનો છંટકાવ કરી પ્રદૂષણને નિયંત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવશે.
"અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના બજેટમાં આ આધુનિક AQI કંટ્રોલરૂમ બનાવવા માટે અને AQI સેન્સર લગાડવા માટે 20 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું." - દેવાંગ દાણી ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી , AMC
આ પણ વાંચો: