વલસાડ જિલ્લાના ડુંગરી નજીક આવેલા એક ગામમાં શનિવારે વહેલી સવારે એક મહિલાને પ્રસવની પીડા ઊભી થઈ હતી. જેને સારવાર અર્થે લઇ જવા માટે પરિજનોએ 108ને જાણકારી આપી હતી. પરંતુ મહિલાને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય એમ ન હોવાથી ઘરમાં માત્ર મોબાઈલની ફ્લેશ લાઈટમાં જ પ્રસુતિ કરાવી હતી. આંબા ગામે રહેતા સુનિલભાઈ હળપતિના પત્ની ડિમ્પલ બેનને પ્રસુતિની પીડા ઊપડી હતી. જેને લઈને તેમના પરિજનોએ ડુંગરી ખાતે ઉભી રહેતી 108ના ચાલકને કસોટી કરવા દવાખાના સુધી લઈ જવા માટે તેમને કોલ કર્યો હતો.
પરંતુ 108 ત્રંબા ગામે ભાણજી ફળિયામાં પહોંચી અને ડિમ્પલબેનને તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેમને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય તેમ ન હોવાથી 108ના પાયલોટ રાકેશભાઈ અને 108 પર કાર્યરત ઇએમટી પ્રશાંત બી પટેલે ક્ષણભરમાં પણ વિલંબ કર્યા વગર ડિમ્પલ બેનના પરિવારજનોને જણાવી દીધું હતું કે, ડિમ્પલ બેનની પ્રસૂતિ તેમના ઘરે જ કરવી પડશે. કારણ કે, એટલો સમય બચ્યો નથી કે તેમને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય અને આ સમયમાં ડિમ્પલબેનના ઘરમાં વીજ પ્રવાહ ન હોવાથી ખૂબ જ અંધકાર હતો.
આવી કપરી પરિસ્થિતિમાં પણ 108ના બંને કર્મચારીએ સહેજ પણ હિંમત હાર્યા વગર મોબાઈલની ફ્લેશલાઈટ વચ્ચે ડિમ્પલબેનને પ્રસૂતિ કરાવી હતી અને ડિમ્પલબેનએ એક બાળકને જન્મ આપ્યો હતો અને માતા અને બાળક બંને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે. હાલ માતા અને બાળક બંનેને ડુંગળી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જો કે 108 દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય કામગીરી બદલ 108ના બંને કર્મચારીઓનો ડિમ્પલબેનના પરિજનોએ આભાર માન્યો હતો. તેમજ તેમની આ ઉમદા કામગીરીને સ્થાનિકોએ પણ બિરદાવી હતી. આમ 108ના કર્મચારીએ એક મહિલા અને તેના બાળક બંનેને નવજીવન આપ્યું છે.