વલસાડઃ જિલ્લાના ધરમપુર માંકડબન ગામે પાર નદીની સીમમાં કપડાં ધોવા ગયેલી એક મહિલા પર જંગલી ડુક્કર એ હિંસક હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેની જાણ થતાં ગ્રામજનોએ ઇજાગ્રસ્ત મહિલાને ઝોળી બનાવી ઊંચકીને છેક મુખ્ય માર્ગ સુધી લવાઈ હતી. ત્યારબાદ તેને એબ્યુલન્સ દ્વારા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
મંજુલાબેન નામની મહિલા નદીમાં કપડાં ધોવા માટે ગઈ હતી. તે દરમિયાન અન્ય ગામના કેટલાં યુવકો જંગલી ડુક્કર પકડવા માટે જંગલોમાં શોર બકોર કરી રહ્યા હતા, ત્યારે પાછળ દોડતા યુવકોથી ડરેલા ડુક્કરે કપડા ધોતી મહિલા પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી.
મહિલાની બૂમો સાંભળતા આજુબાજુના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ગામ અંતરિયાળ વિસ્તારમાં હોવાથી ઈજાગ્રસ્ત મહિલાને સીમમાં બહાર દોઢ કિમીના અંતરમાં ઝોળી બનાવીને લઈ જવાની ફરજ પડી હતી. ત્યારબાદ મહિલાને 108 એબ્યુલન્સ દ્વારા ધરમપુરની સ્ટેટ અને તે બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી હતી.