વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામેથી વહેતી કોલક નદીમાં વર્ષ 2002માં અંદાજિત 10 લાખના ખર્ચે ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો હતો. પરંતુ માત્ર 10 માસ માં બનાવમાં આવેલ ચેકડેમ કમ કોઝવેના લોખંડના દરવાજા સડી ગયા હતા. જેને કારણે લોકોના ઉપયોગ માટે એકત્ર કરવામાં આવનાર પાણી વ્યર્થમાં વહી ગયું હતું. અને છેલ્લા 4 વર્ષથી અહીં ફેબ્રુઆરી માસ પૂર્ણ થતાંની સાથે જ કોલક નદી સુકાઇ જતી હોય છે.
જેને લઈને નદીના બંને કાંઠે આવેલ અરનાળા અને પાટી ગામના ખેડૂતોને પિયતના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે તો બીજી તરફ નદીના પાણીનો ઉપયોગ પશુધન કરતા હોય છે તેઓને માટે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. હાલ પણ હજુ મેં માસ ચાલુ નથી થયો ત્યાં કોલક નદીમાં માત્ર 3 દિવસ ચાલે એટલું જ પાણીનો સ્ત્રોત બચ્યો છે. જેને લઈ સ્થાનિકોમાં ચિંતાનો વિષય બન્યો છે.
સમગ્ર સમસ્યા બાબતે ફરામ ભાઈ સુઈએ જણાવ્યું કે, કોલક નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમ લીકેજ હોય પાણી સંગ્રહ થઈ શકતું નથી અને નદીનું પાણી તમામ વહી જાય છે તો લોકોએ ચેકડેમમાં દરવાજા જે સડી ગયા હતા. તેં પણ સ્થાનિકોએ સ્વખર્ચે બનાવ્યા હતા અનેક સ્થળે પાણીની સમસ્યા બાબતે રજૂઆતો કરી પરંતુ સરકારી અધિકારીઓ આવીને માત્ર નિરીક્ષણ કરીને જતા રહે છે.
પાટી ગામના ઉમેદભાઈ પટેલએ જણાવ્યું કે, નદીના પાણી સુકાઈ જતા બને ગામમાં હેન્ડપંપમાં જળ સ્તર નીચે ઉતરી જતા પીવાના પાણી પણ વિકટ સમસ્યા સર્જાય છે. અહીં નદીમાં પાણી એકત્ર કરવા પૂર્વે ચેક ડેમનું સમારકામ જરૂરી છે તો વૈકલ્પિક નિરાકરણ પણ છે નદીથી નજીકમાં દમણગંગા નહેર પણ આવેલી છે જેમાંથી પાણી પાઇપલાઇન કરીને નદીમાં લાવી શકાય એમ છે. પરંતુ સરકારી આધિકારીઓને લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં રસ જ ન હોવાનું જણાય છે.
હાલ પરિસ્થિતિ એટલી વિકટ છે કે, બંને ગામના લોકોને માટે નદીમાં માત્ર 3 થી 4 દિવસ પાણી ચાલી રહે એટલું જ પાણી બચ્યું છે નદીના જળ સુકાઈ ચુક્યા છે. લોકોએ બહારથી પાણી લાવવાની ફરજ પડે એમ છે.