વલસાડ : જિલ્લાના વિવિધ તાલુકામાં હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી છે. જેમાં રાજ્ય સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચે અને તેના લાભાર્થીઓ સાથે ધારાસભ્યશ્રીઓ તેમજ પ્રધાનો સીધો સંવાદ કરી શકે અને લોકોને જાણકારી મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે કપરાડા તાલુકામાં આયોજિત કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રેલવે રાજ્ય પ્રધાન અને ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશે હાજરી આપી હતી.
મોટી વાહિયાળમાં શપથ લેવડાવ્યાં : દર્શના જરદોશે 19 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે દિવસ કપરાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજરી આપી. 19 તારીખના રોજ કપરાડા તાલુકાના પાનસ ગામે તેમજ આજે 20 તારીખના રોજ મોટી વાહિયાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામના તમામ લોકોને સંકલ્પ લેવડાવી ભારત વિકાસના પંથે પ્રગતિ કરે તેવા સપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ આરોગ્ય વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી અપાઈ હતી.
આયુષ્માન ભારતના કાર્ડ વિતરિત : મોટી વહિયાળ ગામે પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ ખેતીવાડી વિભાગ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સ્કૂલના પટાંગણમાં સ્ટોલ લગાવી સરકારની વિવિધ યોજનાઓ અંગે સ્થાનિક લોકોને જાણકારી આપી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર જ આવનારા લોકોને આયુષ્માન ભારત અંતર્ગત આયુષ્માન ભારતના કાર્ડ કાઢી આપવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી હતી. જે માટે લોકોની લાંબી લાઈન પણ સ્થળ ઉપર જોવા મળી હતી એટલે કે સરકારની યોજનાનો લાભ લેવા કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં તો તૈયાર બનેલા કેટલાક આયુષ્માન ભારતના કાર્ડ પણ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતાં.
અત્યાર સુધીમાં તેઓ ચાર જેટલા ગામોમાં બે દિવસથી સતત ફરી રહ્યા છીઓ. કપરાડા તાલુકાના ત્રણ જેટલા ગામોમાં આયોજિત કાર્યક્રમમાં ત્રણ જેટલા મહિલા સરપંચોને મળ્યા છે. જે ગામમાં મહિલા સરપંચ હોય તે ગામને તેઓ સુદ્રઢ રીતે સંચાલિત કરે છે અને સ્વચ્છતા માટે પણ તેઓ ખૂબ ચોકસાઈ રાખે છે. એટલે કે જ્યાં મહિલા સરપંચ હોય ત્યાં ગામ સ્વચ્છ અને સુંદર જ હોય છે...દર્શના જરદોશે ( કેન્દ્રીયપ્રધાન )
પ્રાકૃતિક ખેતી કરનારા લાભાર્થી સન્માનિત : હાલમાં સરકાર ગ્રામીણ કક્ષાએ રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી ઉપર વધુ ભાર આપી રહી છે ત્યારે કપરાડા તાલુકામાં પણ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને રેલવે પ્રધાનના હસ્તે સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતાં જેથી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન મળી શકે.
પીએમ મોદીના વખાણ : દર્શના જરદોશે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી જ સામાન્ય જન સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ પહોંચે તે માટે કટિબદ્ધ હતાં અને આજે પણ તેઓ કટિબદ્ધ છે. એના કારણે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે.
અનેક યોજનાઓ વિશે જાણકારી ફેલાવાઇ : ગ્રામીણ કક્ષાએ છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચી શકે હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોમાં આપવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોષણ સુધા યોજના શ્રી અન્ન સુપોષિત ગુજરાત નિર્માણ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓ માટે પોષણ અભિયાન અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી અને માહિતી સાથે જ મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ વિવિધ આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ મળી રહે તે માટેની પણ વિગતો આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવી છે. સાથે જ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા થાય તે માટે પ્રાકૃતિક ખેતી અંગેની સમજ માટે પણ વિશેષ સ્ટોલ ઉભો કરી કાર્યક્રમમાં માહિતી અપાઈ છે.