વલસાડઃ ધરમપુરના ભેંસદરા ગામે 7 જાન્યુઆરી 2024ના રોજ 1 કિમી લાંબા કાપડ પર વારલી આર્ટમાં રામાયણના મહત્વના પ્રસંગોના ચિત્ર દોરવામાં આવશે. આ કલાકૃતિ તૈયાર થયા બાદ રામ મંદિર મ્યૂઝિયમમાં ભેટ આપવામાં આવશે. આ લાંબા ચિત્રને 125 સીનિયર આર્ટિસ્ટ્સની સાથે આદિવાસી શાળાઓના 5000થી વધુ વિદ્યાર્થીઓ સાથે મળીને તૈયાર કરશે. સુરતના એ ડી ફાઉનેડેશન અને સંઘ કાર્યકરોના સંયુક્ત ઉપક્રમે આ કલાકૃતિ તૈયાર કરવામાં આવશે.
તડામાર તૈયારીઓઃ ધરમપુરના ભેંસદરા ગામની હાઈસ્કૂલમાં 1 કિમી લાંબા કાપડને લાકડાના ટેકાઓ પર ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કલાકૃતિ તૈયાર કરવામાં 125 સીનિયર આર્ટિસ્ટ્સ અને 25 શાળાઓના 5000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. 1 કિમી લાંબા આ પેન્ટિંગને તૈયાર કરવામાં માત્ર ગેરુના રંગનો ઉપયોગ કરવામાં આવશે. આ પેન્ટિંગ પર રામાયણના મહત્વના પ્રસંગો અને કાર સેવકોનો સંઘર્ષ પણ ચિત્ર રુપે દોરવામાં આવશે.
મહાનુભાવો હાજર રહેશેઃ આ 1 કિમી લાંબુ ચિત્ર દોરવાની શરુઆત 7 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે ચિત્રકારો, વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ચિત્રકારોને ઉત્સાહ પૂરો પાડવા મહાનુભાવો પણ હાજર રહી શકે છે. જેમાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા, શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ સાંસદ ડૉ. કે. સી. પટેલનો સમાવેશ થાય છે.
આ 1 કિમી લાંબુ ચિત્ર ધરમપુરની કળા વારલી આર્ટમાં બની રહ્યું છે. જે વિશ્વનું સૌથી લાંબુ ધાર્મિક ચિત્ર હશે. આ ચિત્ર તૈયાર કરવામાં 25 શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમને મદદ કરવા માટે 125 સીનિયર આર્ટિસ્ટ્સ મદદ કરશે. આ ચિત્રમાં રામાયણના 60 પ્રસંગોને દોરવામાં આવશે. આ ચિત્ર તૈયાર થઈ ગયા બાદ અયોધ્યામાં રામ મંદિરમાં જે મ્યૂઝિયમ બની રહ્યું છે તેમાં ભેટ અપાશે...દિશા જોશી(કો ફાઉન્ડર, એ ડી ફાઉન્ડેશન, સુરત)
અમે ધરમપુરની શાળાનો સંપર્ક કર્યો છે. જેથી વિદ્યાર્થીઓ આ ચિત્રના નિર્માણનો ભાગ બની શકે. આ ચિત્ર તૈયાર થઈ ગયા બાદ અમે આ ચિત્રને અયોધ્યામાં રામ મંદિર મ્યૂઝિયમમાં ભેટ આપીશું...જ્યોતિ શનિષ્ચરા(સંયોજિકા, દક્ષિણ ગુજરાત પ્રાંત માતૃ શક્તિ)