- બર્થ ડે પાર્ટીમાં જતા વાપીના 2 GRD જવાનના અકસ્માતમાં મોત
- GRDના જવાનો વાપી GIDC પોલીસ મથકમાં બજાવતા હતા ફરજ
- ભીલાડ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
વાપી: વાપીથી મહારાષ્ટ્રના મનોર ખાતે મિત્રની બર્થ ડે પાર્ટીમાં જતા 2 GRD જવાનને નેશનલ હાઇવે પર અવધ હોટલ સામે મુંબઇથી વાપી તરફ જતા માર્ગ પર રોંગ સાઇડ પર આવતા કન્ટેનર ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સામેથી આવતા સ્કૂટરને અડફેટે લીધું હતું. જેમાં સ્થળ પર જ બંને યુવકોના મોત નિપજ્યા હતાં.
ભીલાડ પોલીસ મથકમાં કન્ટેનર ચાલક સામે ફરિયાદ નોંધાઇ
અકસ્માત સમયે સ્કૂટર પર વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા બે ગ્રામરક્ષક દળ (GRD)ના જવાનો સવાર હતા. સ્કૂટર ચાલક કેતન દેવેન્દ્ર ખટીક અને પાછળ બેઠેલા મહેન્દ્ર બાબુ માલી રોડ પર ફેંકાઈ જતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં બન્નેના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે લક્ષ્મણ બાબુ માલીએ ભીલાડ પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા મહેન્દ્ર માલીની અંતિમ ક્રિયા તેમના વતન રાજસ્થાનમાં કરવામાં આવશે.