વાપીઃ પતિ, પત્ની ઓર વોના કિસ્સામાં પ્રેમીએ જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે. વાપી પોલીસે પતિ અને હત્યામાં મદદ કરનાર સખ્શ એમ બે જણને દબોચી લીધા છે. પોલીસે પ્રેમીના કોહવાયેલા મૃતદેહને કબ્જે લઈને પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલી આપ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ વાપી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો અરવિંદ રાઠવા વાપી કબ્રસ્તાન રોડ પર હાલાણી કોમ્પ્લેક્સમાં રુમ ભાડે રાખીને રહેતો હતો. આ અરવિંદ મૂળ છોટા ઉદેપુરનો રહેવાસી હતો અને પરિવારથી દૂર જીવન ગુજારતો હતો. અરવિંદની પડોશમાં એક દંપતિ રહેતું હતું. આ દંપતિમાં પતિ રાજુ ઠાકોર અને પત્નીએ પોતાના અગાઉના લગ્નમાં છુટાછેડા લીધા હતા. આ તે બંનેના બીજા લગ્ન હતા. પતિ રાજુ ઠાકોર રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. અરવિંદ અને રાજુ મિત્રો હોવાથી અરવિંદ રાજુના ઘરે અવારનવાર આવતો હતો. અરવિંદ અને રાજુની પત્ની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પ્રેમીઓ અલગ અલગ દિવસે વડોદરા જવા રવાના થયા. વડોદરામાં એક અઠવાડિયું રોકાયા હતા. આ તરફ રાજુને અરવિંદ પર શંકા ગઈ હતી. રાજુને ગંધ આવી જતા તે વડોદરાથી પરત ફર્યો અને પોતાનું રોજીંદુ જીવન જીવવા લાગ્યો હતો. જો કે રાજુને અરવિંદ પર શંકા હતી. તેથી તેણે પોતાના એક મિત્ર નિજાર મોહમ્મદ પંજવાણી સાથે અરવિંદની પુછપરછ કરવાનું નક્કી કર્યુ. બનાવના દિવસે રાજુએ અરવિંદને ઘરે બોલાવ્યો. કડકાઈથી પોતાની પત્ની વિશે પુછપરછ શરુ કરી. આ ટોર્ચરથી ડરી જઈને અરવિંદે રાજુની પત્ની વડોદરામાં હોવાનું કબૂલી લીધું અને પોતે રાજુની પત્નીને રહેવાની સગવડ વડોદરામાં કરી હોવાનું જણાવી દીધું હતું. રાજુ આ કબૂલાતથી ગુસ્સે થઈ ગયો અને અરવિંદને ઢોર માર માર્યો. રાજુએ અરવિંદને સાચી હકીકત જણાવી દેવા કરંટ પણ આપ્યો હતો. આ ટોર્ચર અરવિંદ માટે જીવલેણ સાબિત થયું અને અરવિંદ મૃત્યુ પામ્યો.
મૃતદેહ ઠેકાણે પાડ્યોઃ રાજુ ઠાકોર અને તેના મિત્ર પંજવાણીના ટોર્ચરથી એસટી ડ્રાઈવર અરવિંદનું મૃત્યુ થઈ ગયું હતું. રાજુ ઠાકોરે અને તેના મિત્રએ આ મૃતદેહને રિક્ષામાં લઈ જઈ પલસાણા ગંગાજી ખાડીમાં ફેંકી દીધો હતો. અરવિંદનો સતત સંપર્ક ન થતા તેના પરિવાર છોટાઉદેપુરથી વાપી આવી તપાસ આદરી. અરવિંદનો પત્તો ન લાગતા પરિવારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહીઃ વાપી પોલીસે આ કેસ ઉકેલવાના ચક્રો ગતિમાન કરી દીધા. વાપી પોલીસે અરવિંદના પાડોશીઓમાં પુછપરછ શરુ કરી. જેમાં જાણવા મળ્યું કે રાજુ ઠાકોરની પત્ની પણ ગુમ છે. તેથી પોલીસે કડીઓ મેળવીને રાજુ ઠાકોરની ઉલટ તપાસ કરી. જેમાં રાજુ ઠાકોરે અરવિંદની હત્યા કરીને મૃતદેહ ખાડીમાં ફેંકી દીધો હોવાનું કબૂલી લીધું હતું. વાપી ટાઉન પોલીસે પારડી પોલીસની મદદથી મૃતક અરવિંદના મૃતદેહને શોધી કાઢ્યો હતો. આ કોહવાયેલા મૃતદેહને કબ્જે લઈને પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલી આપ્યો છે.
મૃતક અરવિંદ એસટી વિભાગમાં ડાઈવર તરીકે ફરજ બજાવતો હતો. તેણે પાડોશી રાજુ ઠાકોરની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમી અલગ અલગ દિવસે વડોદરા ગયા હતા. રાજુને ખબર પડી જવાની શંકા જતા અરવિંદ વાપી પરત ફર્યો હતો. જો કે રાજુએ વહેમ રાખીને અરવિંદને પત્ની વિશે પુછ્યું. આ પુછપરછમાં અરવિંદને ઢોર માર માર્યો અને કરંટ પણ આપ્યો હતો. જેમાં રાજુના મિત્ર મોહમ્મદ પંજવાણીએ પણ તેને સાથ આપ્યો હતો. આ ટોર્ચરમાં અરવિંદનું મૃત્યુ થયું હતું. બંને આરોપીઓએ મૃતદેહને પલસાણા ગંગાજી ખાડીમાં ફેંકી દીધો હતો. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે...બી.એન. દવે (ડીવાયએસપી, વાપી ડિવિઝન)