વલસાડ : વાપી શામળાજી નેશનલ હાઈવે નં 56 જે આગામી દિવસમાં 4 લેન બનવા જઈ રહ્યો છે. જે માટે સોનગઢ વ્યારાથી છેક વાપી સુધીમાં માર્ગમાં આવતા ગામોના આદિવાસી લોકોની જમીન સંપાદનમાં જનાર છે. જે માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી. આજે ધરમપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતો જેઓની જમીન રોડ માર્જીનમાં જાય છે. તે તમામ લોકો આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંધા અરજી આપી વિરોધ નોંધાવ્યો હતો. એક ઇંચ પણ જમીન આદિવાસી નહીં આપે તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
જમીન સંપાદનથી અસર : ધરમપુર તાલુકના આંબા તલાટ, કરંજવેરી આસુરા, ધરમપુર, માલનપાડા, બારોલીયા, કાકડકુવા જેવા અનેક ગામોના લોકોની જમીન વાપી શામળાજી નેશનલ હાઈવે જે 4 લેન થવા જઈ રહ્યો છે. જેને લઇને વિરોધ નોંધાવી રહ્યા છે અનેક ગામોમાં ગ્રામ પંચાયતના ઠરાવ કરી વિરોધ કરવા છતાં પણ લોક સુનાવણી રાખવામાં આવી હતી. આદિવાસી વિસ્તાર પંચમી અનુસૂચિમાં આવતો હોય ગ્રામસભામાં થયેલા ઠરાવ સુપ્રીમ કોર્ટ સુધી માન્ય રહેશે. આદિવાસી વિસ્તારમાં પાંચમી અનુસૂચિ લાગુ હોય ગ્રામ પંચાયતમાં થયેલા વિરોધનો ઠરાવ છતાં પણ રોડ અંગે લોક સુનાવણી રાખવામાં આવી હતી.
ધારાસભ્યની આગેવાનીમાં વાંધા અરજી આપી : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 200થી વધુ ખેડૂત અને આદિવાસી સમાજના અગ્રણીઓએ લોક સુનાવણીમાં વાંધા અરજી આપી છે. એક પણ ઇંચ જમીન આદિવાસી આપશે નહીં હૂંકાર કર્યો છે. આજે ધરમપુર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને આદિવાસી અગ્રણીઓએ આજે વાંધા અરજી આપી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોઈપણ પ્રોજેક્ટ માટે સરકાર રાજપત્ર બહાર પાડે તો તેનો ડીટેલ પ્રોજકેટ રીપોર્ટ તેની સાથે હોય છે. જેમાં એ તમામ જાણકારી આપવામાં આવતી હોય છે, કે કેટલાક કુવા જશે, કેટલા ઝાડ કપાશે, કેટલા ઘરો રોડ માર્જીનમાં જશે, કેટલા લોકોની જમીન જશે, એ તમામ પ્રકારની જાણકારી પ્રોજેક્ટ રિપોર્ટમાં હોય છે, પરંતુ આજે એજન્સીના કોઈ આધિકારીઓ હાજર રહ્યા જ ન હતા. જેથી એવી કોઈ જાણકારી મળી નહીં કે કેટલા રૂપિયા વળતર, કેવું વળતર, કેટલું વળતર એ અંગે કોઈ સ્પષ્ટીકરણ થઇ શક્યું નથી - અનંત પટેલ (ધારાસભ્ય વાંસદા)
ગામોના લોકોનો વિરોધ : માત્ર ધરમપુર નહીં વાંસદા, વ્યારા, સોનગઢ, માંગરોળ તમામ વિસ્તારના ખેડૂતો એક પણ ઇંચ જમીન આપવાના નથી. તેઓને વળતરની વાત નથી, પણ જમીન આદિવાસી એક પણ ઇંચ આપશે નહીં, સૌ એ એક સુર પુરાવ્યો છે. આજે મોટી સંખ્યામાં ધરમપુર તાલુકાના તેમજ વાંસદા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આદિવાસી અગ્રણીઓ હાજરી આપી વિરોધ નોંધાવ્યો હતો
ગ્રામ પંચાયતમાં સર્વે માટે પૂછીને પ્રવેશ કરવો : નેશનલ હાઇવે 56 જે 4 લેન થવા જઈ રહ્યો છે, ત્યારે તેના જમીન સંપાદન માટે જેતે ગ્રામ પંચાયતમાં રાજપત્ર મોકલી દેવામાં આવ્યા છે, ત્યારે આજે લોક સુનાવણીમાં આવેલા અગ્રણીઓએ જણાવ્યું કે, તેઓ જમીન આપવા માટે વિરોધ છે, તે માટે વાંધા રજુ ર્ક્યા છે, સાથે જ એ પણ પ્રાંત અધિકારીને જણાવ્યું કે, સમગ્ર વિસ્તાર આદિવાસી હોય પાંચમી અનુસૂચિ માં લાગુ છે. જો કોઈપણ વ્યક્તિ કે એજન્સી સર્વે કરવા પૂર્વે ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. અન્યથા જાણકારી વિના પ્રવેશ કરશે. તો કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી જે તે એજન્સી કે સર્વે કરવા માટે આવનાર વ્યક્તિની રહેશે તેવું જણાવ્યું હતું.