વલસાડઃ વાપી-દમણ મુખ્ય માર્ગ પર પેટ્રોલિંગમાં દરમિયાન વાપી ટાઉન પોલીસે વરલી મટકાના ધંધાનો પર્દાફાશ કરી નામચીન આરોપી રહેમતુલ્લા ઉર્ફે રમેશ ચપટો સલીમ શેખની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે રહેમતુલ્લા પાસેથી ટાઈમ બજાર, કલ્યાણ ઓપન, દિવસ મિલન ઓપન તથા બંધ બજાર ઉપર લેવાતા આંકડાની વિગતો મેળવી આંકડા મંગાવતા અને વેંચતા મુખ્ય સૂત્રધાર અને સટ્ટા બેટિંગ, વરલી મટકાના માસ્ટર ગણાતા સાજન, ઝોનભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ સમગ્ર ગેરકાનૂની પ્રવૃત્તિમાં સાજન મુખ્ય સૂત્રધાર હોવાનું અને તે બાદ ઝોનભાઈ, નયન, જગદીશ નામના તેમના સાગરીતો રમેશ ચપટા સલીમ શેખને આંકડા આપતા હોવાનું અને તે આંકડા દ્વારા રમેશ ચપટો બાઇક પર વાપીના મુખ્ય માર્ગો પર ફરી બેટિંગ કરાવી કટિંગ ઉઘરાવતો હોવાનું પણ જાણવા મળ્યું હતું
ઉલ્લેખનીય છે કે, સાજન અને તેના સાગરીતો ગત કેટલાક વર્ષોથી આ ધંધામાં સંકળાયેલા છે અને તેમણે કેટલાય યુવાનોને સટ્ટાના રવાડે ચડાવી સટોડીયા બનાવી દીધા છે, ત્યારે હાલ તેમના ધંધાનો વાપી ટાઉન પોલીસે પર્દાફાશ કરતા સટોડીયાઓમાં ફફડાટ ફેલાયો છે.