વલસાડઃ તાજેતરમાં તકલાદી ચીજવસ્તુઓના જનક ગણાતા ડ્રેગન ચીન સાથે ભારતની સરહદને લઈને વિવાદ ચગ્યો છે. એવામાં ચીન સાથે ભારતના વેપારી સંબંધો પર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. જેથી વલસાડ જિલ્લાની વાપી GIDCની પેપર મિલોએ ચીનને ઘૂંટણિયે પાડવા પહેલા દેશ પછી વેપારની નીતિ અપનાવી પોતાની દેશદાઝ પ્રગટ કરી છે. ઉલ્લેખનીય છે કે, વાપીની 40 પેપર મિલોમાંથી વર્ષે 120 કરોડનું ફિનિશ ગુડ્સ ચીનમાં મોકલવામાં આવે છે અને ચીન તેના પર મહદઅંશે નિર્ભર પણ છે.
ચીન ભારત સરહદ પર દેશના જવાનો શહીદ થયા છે. જેથી સરહદી વિવાદ સાથે ચીનને ઘૂંટણિયે પાડવા માટે સમગ્ર દેશમાં ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આવા સમયે મોટા ભાગના લોકોના મનમાં એવો ખ્યાલ છે કે, ભારતમાં મોટાભાગે ચીનથી પ્રોડક્ટ આયાત કરવામાં આવે છે, પરંતુ 100 ટકા આવું નથી. ભારતમાં એવી પ્રોડક્ટ પણ છે, જે માટો પ્રમાણે ચીનમાં નિકાસ થાય છે. આવી મહત્વની પ્રોડક્ટમાં પેકેજીંગ મટીરિયલ અગ્રેસર છે.
આ અંગે ગુજરાત પેપર મિલ એસોસિયેશનના પ્રમુખ સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 120 જેટલી પેપર મિલો છે. જેમાંથી એકલા વાપીમાં જ 40 પેપર મિલ છે. આ પેપર મિલમાં કોઈ જ રો-મટીરિયલ ચીનથી મંગાવવામાં આવતું નથી, પરંતુ સામે વાપીમાંથી દર મહિને 4 હજાર ટન પેકેજીંગ મટીરિયલ, ક્રાફટ પેપર વગેરે તૈયાર માલ ચીનમાં મોકલવામાં આવે છે. જેની વેલ્યુ વર્ષે 120 કરોડની છે.
ચીનથી પેપર મિલમાં જરૂરી મશીનરી આવે છે, પરંતુ કોરોના મહામારી અને હાલમાં સરહદી વિવાદને લઈને પેપર મિલના માલિકોએ આ તમામ ડીલ કેન્સલ કરી નાખી છે. કારણ કે, આ કંપનીઓના મનમાં પહેલાં દેશ અને વેપાર પછી છે.
જો દરેક ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવી પહેલ કરે તો આપણે ચીનને ગણતરીના દિવસોમાં જ આર્થિક ફટકો મારી ઘૂંટણિયે પાડી શકીએ તેમ છીએ. પેપર મિલ એસોસિયેશન આ માટે કટિબદ્ધ છે. કારણ કે, ચીનથી અમૂક પ્રકારની મશીનરી બાદ કરતાં કોઈ વસ્તુ પેપર મિલમાં આવતી નથી.
વધુમાં સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, પેપર મિલ પ્રોડક્ટમાં ડિમાન્ડની સામે સપ્લાય વધુ છે. એટલે એક્સપોર્ટ કરવું અનિવાર્ય છે. આ એક્સપોર્ટ ચીન ઉપરાંત બીજા દેશોમાં પણ કરવામાં આવે છે.
સરકારે જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. તેવી ખાસ પોલિસી બનાવવી જોઈએ. વેપાર વધારવા માટે સરકારે સૌથી પહેલા વીજળી દરને નીચા લાવવા જોઈએ અને ત્યારબાદ અન્ય દેશની તુલનાએ જે રેટ ઓફ ઇન્ટ્રેસ્ટ છે તેને ઘટાડવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, અન્ય દેશોમાં રેટ ઓફ ઇન્ટ્રેસ્ટ માત્ર 3 ટકા આસપાસ છે, જ્યારે ભારતમાં 11 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, દેશની પેપર મિલોમાં ચીનનો માલ આયાત થતો નથી, પરંતુ દેશની અન્ય કંપનીઓ જેવી કે ફાર્મા કંપનીઓમાં API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ટિ ગ્રીએન્ટ) અને કેમિકલ કંપનીમાં ઇન્ટરમીડિયેટ ગુડ્સ આયાત કરાય છે. આ ઉપરાંત કેટલાક અન્ય રો-મટીરિયલ પણ ચીનથી આવે છે, ત્યારે આ ઉદ્યોગકારો પણ જો પેપર મિલ એસોસિયેશનની જેમ દેશ પ્રથમ અને પછી વેપારની નીતિ અપનાવી ચીન સાથેના વેપારી સંબંધો પર પૂર્ણવિરામ મૂકે, તો ચોકકસ ભારત આ સદીનો સૌથી મોટો આત્મનિર્ભર દેશ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટના એક વ્યક્તિએ ચીનની કારનો ઓર્ડર રદ કર્યો હતો અને આ ઉપરાંત સુરતની કંપનીએ ચીન સાથેનો પોતાનો વર્ષો જૂનો કરાર તોડી નાખ્યો છે.