વલસાડ: વાપી નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બુધવારે પાલિકા પ્રમુખ અને સભ્યોએ રસ્તાઓ સેનેટાઈઝ કર્યા હતાં.
આ ઉજવણી નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમો અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં યશસ્વી વડાપ્રધાન તરીકેની છાપ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉભી કરી છે. આ સાથે વિશ્વમાં ભારતની જે છબી ખરાબ હતી તેને પણ તેમણે સુધારી છે, ત્યારે 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસની ઉજવણીને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
વાપી નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારના તમામ 11 વોર્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેની સાથે તમામ વોર્ડમાં દવા છંટકાવ અને સેનેટાઈઝનું કામ હાથ ધરાયું છે. 17મી સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, વૃક્ષારોપણ અને રક્તદાન કેમ્પ સહિત દિવ્યાંગોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
- આ પણ વાંચો : વડોદરામાં વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસને લઇને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
આ ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તે અંગે પણ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તમામ કાર્યક્રમો લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.