- વાપી પાલિકા વિસ્તારના આવાસને બેસ્ટ એવોર્ડ
- ગુજરાતમાંથી 2 જ નગરપાલિકાને એવોર્ડ મળ્યો
- વડાપ્રધાને લાભાર્થીઓને ઓનલાઈન એવોર્ડ આપ્યા
વાપી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021ના પ્રથમ દિવસે વાપી નગરપાલિકા વિસ્તારના આવાસને બેસ્ટ આવાસ એવોર્ડ એનાયત કર્યો હતો. બીએલસી ઘટક (બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રકશન)ની કામગીરી અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં વાપી કબ્રસ્તાન રોડ ઉપર લાભાર્થી મીના રમેશભાઈ પટેલનું ઘર આવેલું છે. આ લાભાર્થીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-માધ્યમથી બેસ્ટ આવાસ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી હતી. આ યોજનાના બીએલસી ઘટકની કામગીરી અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં વાપી કબ્રસ્તાન રોડ ઉપર લાભાર્થી પટેલ મીનાબેન રમેશભાઈ દ્વારા બનાવેલા આવાસને બેસ્ટ આવાસ એવોર્ડ મળ્યો હતો.
ગુજરાતમાંથી બે નગર પાલિકાઓની પસંદગી થઈ છે, જેમાં વાપી નગર પાલિકાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ- 915 આવાસ વાપી નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 461 આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીના આવાસોની કામગીરી ચાલુ છે.
5510 કુટુંબને લાભ મળ્યો
પ્રધાનમંત્રી આવાસ યોજનાના અન્ય ઘટક સીએલએસએસ (ક્રેડિટ લિન્ક સબસિડી) યોજના અંતર્ગત વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં કુલ 5,510 કુંટુબને લાભ આપવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા
આ વેળાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રના હાઉસીંગ રાજ્ય પ્રધાન હરદીપસિંહ પૂરી, અને કેન્દ્રના હાઉસીંગ સચિવ દૂર્ગાશંકર મિશ્રા વિશેષ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા. વલસાડમાં જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝા, લાભાર્થી મીના પટેલ સહિત નગર પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ વલસાડ કચેરી ખાતે હાજર રહ્યા હતા.