વાપી નગરપાલિકા દ્વારા ડોર ટૂ ડોર કચરો એકઠો કરી તે કચરાને નામધા ચડોળ ગામ ખાતે આવેલી ડમ્પીંગ સાઈટમાં ઠાલવી તેમાંથી ખાતર બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો હતો. જે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા સાબિત થયો હતો. વર્ષો બાદ ફરી એકવાર પાલિકાએ 6 કરોડના ખર્ચે અદ્યતન પ્લાન્ટનું ટેન્ડર ભર્યુ છે.જેની માટે પાલિકા પહેલા ડમ્પીંગ સાઇટ પર શેડ, બાઉન્ડરી, રસ્તા સાહિતની સવલતો પૂરી પાડશે. ત્યારબાદ અધિકૃત એજન્સી 360 રૂપિયા પર ટન હિસાબે કચરો લઈ તેમાંથી ખાતર બનાવી વેંચાણ કરશે.
પાલિકાએ આ પહેલના પગલે કચરાના ઢગનો નિકાલ થવાની આશા વ્યક્ત કરી હતી. જેની સામે વિપક્ષે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "જે-તે એજન્સીએ સ્વખર્ચે પ્લાન્ટ નાખી 2 લાખ રૂપિયા પાલિકાને ડિપોઝીટ ભરી હતી, તો પાલિકાએ 6 કરોડ ખર્ચવાની જરૂર શા માટે પડી? આવા અનેક સવાલ ઉઠાવી તેઓ આ પ્રોજેકટ માત્ર પૈસા ચાઉ કરવાનો હેતુથી ચાલુ કરાયો હોવાનું જણાવી રહ્યાં છે."
ડમ્પીંગ સાઇટ પર કમ્પોસ્ટ પ્લાન્ટ અંગે નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે, "વાપી નગરપાલિકાએ વર્ષો પહેલા પોતાની ડમ્પીંગ સાઇટ ખરીદી હતી. જ્યાં કડી ક્લોલની એજન્સીને ખાતર બનાવવા કામગીરી સોંપી હતી. પરંતુ એજન્સીમાં ભાગીદારોના ડખ્ખામાં તે પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો હતો. ત્યારબાદ હવે નવેસરથી પાલિકાએ આ અંગે એજન્સીને કામગીરી સોંપી છે. જેમાં આ વખતે પાલિકા પોતે સાઇટ પર શેડ, દીવાલો, ફ્લોરિંગ, કોન્ક્રીટ રોડ, વે-બ્રિજ સહિતની સુવિધા પૂરી પાડશે જે માટે અંદાજીત 6 કરોડનો ખર્ચ કરશે. બાદમાં જે-તે એજન્સી રોજના 50 ટન જમા થતો કચરો 360 રૂપિયા ટનના ભાવે ખરીદી તેમાંથી ખાતર બનાવશે. એ જ રીતે જમા થયેલા કચરોમાંથી 50 ટન એમ કુલ 100 ટન કચરામાંથી ખાતર બનાવશે.આમ, પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેને ફરીથી વાપરવા લાયક બનાવશે. જેથી આ પ્લાન્ટથી ડમ્પીંગ સાઇટ પરનો ઢગ નાબૂદ થશે."
ઉલ્લેખનીય છે કે, અસહ્ય દુર્ગંધ મારતી પાલિકાની ડમ્પીંગ સાઇટને વિરોધમાં ગ્રામજનોએ અનેકવાર આવેદન આપી રજૂઆત કરી હતી. તેમજ આંદોલન પણ કર્યા હતા. આખરે પાલિકાએ આ સમસ્યાના નિરાકરણ માટે પગલા લીધા છે. ત્યારે વિપક્ષ તેની સામે વાંધો ઉઠાવી રહ્યો છે.
આમ, સત્તાધીશો અને વિપક્ષો વચ્ચે ચાલતી આક્ષેપબાજીમાં ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ આવે છે કે નહીં તે જાણવું રસપ્રદ રહેશે.