વાપીઃ દેશમાં ફેલાયેલા કોરોના મહામારીમાં અનેક દાતાઓ દ્વારા જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી રહી છે. અનેક ઇનોવેટિવ આઈડિયા થકી મેડિકલ ઇક્વિપમેન્ટ પુરા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વાપીની પ્લાસ્ટિક કંપની દ્વારા ફિલ્ડમાં ફરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે ખાસ પ્રકારના PPE (personal protective equipment) પોષાક તૈયાર કરી પુરા પાડવામાં આવ્યા છે. આવી 25 કીટ વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોદ્દેદારો દ્વારા આરોગ્ય વિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતી.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) COVID-19 સામે લડવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે, અને જરૂરિયાત મુજબ મદદરૂપ થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા વાપી GIDC અને ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ફૂડ કીટ, સેને ટાઇઝર, માસ્ક સહિતની ચીજવસ્તુઓના વિતરણ બાદ વાપીના અર્બન હેલ્થ કેર સેન્ટર, ચલા, વાપીના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના સભ્યોને PPEની 25 કીટ પુરી પાડવામાં આવી હતી.
આ PPE (personal protective equipment) કીટ અંગે વાપી VIAના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સેક્રેટરી સતીશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં વાપી ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો બનતો સિંહફાળો આપી રહ્યાં છે. અનેક પ્રોડક્ટ હાલ વાપીમાં બનાવવામાં આવી રહી છે. આવી જ એક પ્રોડક્ટ PPE છે. જે વાપીની પદમ પ્લાસ્ટિક કંપની બનાવી રહી છે. ત્યારે એ પ્રોડક્ટના 25 પીસ અમે આરોગ્ય વિભાગને સુપ્રત કરી કોરોના સામે આરોગ્ય કર્મચારીઓનું આરોગ્ય જળવાય રહે તેવી તકેદારી લીધી છે.
આ અંગે વાપીના મેડિકલ ઓફિસર ડો.સિન્ની પાંડેએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની મહામારી સામે સરકાર અને NGOની મહેનત રંગ લાવી રહી છે. વાપીમાં હજુ સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. અંદાજિત 200 સેમ્પલ મોકલ્યા છે. જેમાંથી જે રિપોર્ટ આવ્યા છે તે તમામ નેગેટિવ આવ્યા છે પરંતુ આરોગ્ય વિભાગનો સ્ટાફ સતત ફિલ્ડમાં રહેતો હોવાથી તેની આરોગ્યની જાળવણી પણ ખૂબ જ મહત્વની છે. ત્યારે આ PPE આરોગ્ય કર્મચારીઓ માટે કોરોના સામેનું સુરક્ષા કવચ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, મેડિકલમાં ઉપયોગમાં લેવાતા આવા PPE મોટાભાગે 7 થી 8 હજાર રૂપિયામાં મળે છે. જે વાપીની પદમ પ્લાસ્ટીક કંપનીએ માત્ર 1500 થી 2000 માં તૈયાર કર્યા છે.