વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વાપીમાં 25 ઇંચ વરસાદ વરસ્યો છે. સેલવાસના ખાનવેલમાં અને વલસાડમાં 18 ઇંચ, પારડી તાલુકમાં 19 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસતા વરસાદ વચ્ચે જ ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હોય ગણેશ વિસર્જન દરમિયાન હજુ 2 દિવસ વરસાદી જોર રહેશે, તમામે સાવધાની રાખી ગણેશ વિસર્જન કરવું અને નદી નાળાથી સલામત અંતર રાખવું તેવું વલસાડ કલેકટર સી. આર. ખરસાણે જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં એક સપ્તાહમાં 12થી 25 ઇંચ વરસાદ વરસ્યો 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 17.44 ઇંચ, કપરાડા 16.36 ઇંચ, ધરમપુર 12.52 ઇંચ, પારડી 19.4 ઇંચ, વલસાડ 18.48 ઇંચ, અને વાપી તાલુકામાં 25.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંઘપ્રદેશ સેલવાસમાં 17.4 ઇંચ અને ખાનવેલમાં 18.47 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ નદી નાળા નોર્મલ પ્રવાહમાં વહી રહ્યા છે. મધુબન ડેમની જળસપાટી સતત નજર રખાઈ રહી છે. લેવલને જાળવવા સમયાંતરે ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લામાં એક NDRFની ટીમને પણ સ્ટેન્ડબાય રખાઈ છે. ઔરંગા અને ભૈરવી નદી પર E-અર્લી વોર્નિંગ સિસ્ટમ કાર્યરત છે. જેના અલ્ટ્રા સાઉન્ડ કેમેરા સતત જળસપાટી પર નજર રાખી રહ્યાં છે. જેવી જળ સપાટી વધે તો, તરત જ નીચાણવાળા વિસ્તારમાં સાયરન વગાડી લોકોને જાણ કરવામાં આવે છે. જેનાથી પૂરની સ્થિતિ સર્જાઈ તેના દોઢ બે કલાક વહેલા જ લોકોને સાવચેત કરી જાનમાલના નુકસાનમાંથી બચાવી શકાય છે.વરસાદી વતાવરણ વચ્ચે ગણેશ વિસર્જનના 9માં દિવસે દમણગંગા નદી કિનારે, સેલવાસમાં દમણગંગા નદી કિનારે દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જકોએ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. દરેક સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકોને પાણીથી દૂર સલામત સ્થળે રહીને ગણેશ વિસર્જન કરવાની સલાહ આપી હતી. દમણગંગા નદી કિનારે ફાયરના જવાનો અને સ્વયં સેવી સંસ્થાના કાર્યકરોએ તમામ મૂર્તિઓનું નદીના ધસમસતા પ્રવાહમાં વિસર્જન કર્યું હતું.
વલસાડ જિલ્લામાં એક સપ્તાહમાં 12થી 25 ઇંચ વરસાદ વરસ્યો, કલેક્ટરે ગણેશ વિસર્જકોને કરી અપીલ