વાપી: વાપી તાલુકાની ઘણી પંચાયતોમાં કોને સરપંચ બનાવવો એ જાણે હિન્દીભાષી લોકોના મત પર નિર્ભર બની ગયું છે. કારણ કે અહીં પંચાયતની ચૂંટણી (Vapi Gram Panchayat Election 2021) માટે ઉમેદવારો ગુજરાતીમાં નહિ, પરંતુ ભોજપુરી ભાષામાં રિક્ષા-ટેમ્પો દ્વારા ચૂંટણી પ્રચાર (election campaign with Bhojpuri songs) કરી રહ્યા છે. છીરી, છરવાડા, ચણોદ, કરવડ, બલીઠા અને કરવડ જેવી પંચાયતોમાં યુપી, બિહાર, મહારાષ્ટ્ર સહિત અન્ય પ્રાંતોના લોકોની વસ્તી સ્થાનિક લોકો કરતાં વધુ છે. એટલે ગુજરાતના આ ગામોમાં સરપંચ ઉમેદવારો મતદારોને રીઝવવા ગુજરાતી સિવાય હિન્દી, ભોજપુરી ભાષાનો પણ સહારો લઈ રહ્યા છે.
ગુજરાતના આ ગામમાં ભોજપુરી ભાષામાં ચૂંટણી પ્રચાર
વાપી તાલુકાના છીરી, છરવાડા, ચણોદ જેવા ગામોમાં હિન્દીભાષી મતદારોનો પ્રભાવ સૌથી વધુ છે. છીરીમાં બે હિન્દી ભાષી મહિલાઓ સરપંચ પદ માટે ચૂંટણી લડી રહી છે. એ જ રીતે, અન્ય પંચાયતોમાં પંચાયત સભ્યો માટે ઉમેદવારી નોંધાવનારાઓમાં યુપી અને બિહાર (UP-Bihar voters in vapi)ના લોકો પણ વધુ છે. છીરીમાં અંદાજે આઠ હજાર અને છરવાડામાં છ હજારથી વધુ મતદારો છે.
દેશના અલગ અલગ પ્રાંતમાંથી લોકો કામધંધા માટે સ્થાયી થયા છે..
જો કે, વસ્તી આના કરતા અનેક ગણી વધારે છે. આ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો કંપનીઓમાં નોકરી કરે છે. આ મતદારોને રીઝવવા માટે ભોજપુરી ગીતો પર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગીતના બોલને ઉમેદવાર સાથે જોડીને પ્રખ્યાત ભોજપુરી ગીતોની તર્જ પર ગીતો પણ બનાવવામાં આવ્યા છે. યુપી, બિહારના લોકો વાળા વિસ્તારોમાં રિક્ષાઓ ફેરવીને આ ગીતો દ્વારા ઉમેદવારો મત આપવાની અપીલ કરી રહ્યા છે. છીરીમાં પોતાની પુત્રવધુને સરપંચ માટે અને પોતે સભ્ય માટે ચૂંટણી લડતાં હિન્દીભાષી ઉમેદવારે તો, ખાસ યુપીના એક ભોજપુરી કલાકારને પણ બોલાવ્યો છે. જેઓ તેમના ટોળા સાથે ભોજપુરી ગીતો દ્વારા મતદારોમાં ઉમેદવાર માટે મત માંગવા વિવિધ સ્થળોએ પહોંચી રહ્યા છે.
ગુજરાતી ઉમેદવારે પણ એજ સ્ટાઇલ અપનાવી
જ્યારે તેમની સામે સરપંચમાં પોતાની પત્નીને અને પોતે સભ્યમાં ઉભેલા સ્થાનિક ગુજરાતી ઉમેદવારે પણ એજ સ્ટાઇલ અપનાવી હિન્દી ભાષી વિસ્તારમાં હિન્દીમાં અને ભોજપુરી સમજતા વિસ્તારમાં ભોજપુરી ગીતોમાં જ્યારે ગુજરાતી વસ્તીવાળા વિસ્તારમાં ગુજરાતીમાં ચૂંટણી પ્રચાર માટે રિક્ષાઓ ભાડે કરી છે. જો કે, બન્ને હિન્દી-ગુજરાતી ઉમેદવારોએ એક વાત સમાન કરી હતી કે આ ગામ ભલે ગુજરાતનું હોય, પરંતુ અહીં 88 ટકા જેટલી વસ્તી દેશના અલગ અલગ પ્રાંત અને રાજ્યમાંથી આવેલા લોકોની છે. તેમ છતાં ગામનો સંપૂર્ણ વિકાસ થયો છે.
આ પણ વાંચો: વાપીમાં ચાલુ મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...
પ્રખ્યાત ભોજપુરી ગીતો પર ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર
વાપી તાલુકાની ગ્રામ પંચાયતમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં છેલ્લી ત્રણ ચૂંટણીથી છીરી, ચણોદ અને છરાવાડા જેવા ગામોમાં હિન્દીભાષી મતદારો સરપંચની જીતનો મુખ્ય આધાર બન્યા છે. આ જોતા આવા પ્રચારનો આશરો લેવો પડી રહ્યો છે. પોતાની ભાષાના ગીતો દ્વારા મતદારો પણ ઉમેદવાર સાથે ગાઢ જોડાણ અનુભવે છે. પ્રખ્યાત ભોજપુરી ગીતોની ધૂન પર તૈયાર થયેલા ગીત સાંભળીને, લોકો રસ્તામાં ચોક્કસપણે દંગ થઈ જાય છે અને થોડા સમય માટે ઉમેદવાર વિશે ચર્ચા કરે છે.
આ પણ વાંચો: વાપી નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને કૉંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ