યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ પાઠવ્યું આવેદન પત્ર
- કાર્યકરો સાઇકલ પર સવાર થઇ મામલતદાર કચેરી પહોચ્યા
- સાઇકલ પર વિવિધ બેનરો સાથે ચૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
વલસાડઃ છેલ્લા કેટલાય દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થઈ રહ્યોં છે, ત્યારે જેનો વિરોધ સોમવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના યુવાનો દ્વારા કરાયો હતો. યુથ કોંગ્રેસના યુવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલા યુવાનો સાઈકલ પર સવાર થઇને મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા, અને તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરી ભારતીય જનતા પાર્ટી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર ગેર વ્યાજબી રીતે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. 2014માં મે માસમાં ભાજપ સત્તા ઉપર આવ્યાં બાદ પેટ્રોલ અને એક્સાઈઝ ડયૂટીમાં 9.20 પ્રતિ લિટરે અને ડીઝલ ઉપર 3. 46 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે, છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ ઉપર 23.78 અને ડીઝલ ઉપર 28.37 પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે, જે કમર તોડ છે.
નોંધનીય છે કે સોમવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના યુવાનો કોંગ્રેસ કાર્યાલય થી વિવિધ સૂત્રોચ્ચાર સાથે સાયકલ પર નીકળીને રાષ્ટ્રપતિના સંબોધીને આવેદન પત્ર વલસાડ મામલતદારને આપ્યું હતું.