ડુપ્લીકેટ પોલીસ વેરીફિકેશન કૌભાંડ બહાર આવ્યું ,બે ની ધરપકડ
કમ્પનીમાં રોજગારી મેળવવા આવતા લોકોને પોલીસ વેરીફિકેશન વિના નોકરી મળતી નહોતી
પોલીસના સહી અને સિક્કાઓનો કરાતો હતો ઉપયોગ
લૂંટના આરોપીને નોકરી કેવી રીતે મળી એ તપાસ કરવા જતાં પોલીસને ડુપ્લીકેટ પોલીસ વેરીફિકેશન કૌભાંડ સામે આવ્યું
વલસાડ રૂરલ પોલીસ દ્વારા લૂંટના કેસમાં પકડાયેલા બે રીઢા ગુનેગારોને કંપનીમાં નોકરી પોલીસ વેરિફિકેશન વિના કેવી રીતે મળી તે અંગે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન તેમના હાથમાં પોલીસ વેરિફિકેશનની કોપી આવી ગઈ હતી. જોકે આ કોપી કઈ રીતે તેમને મળી તે તપાસ કરતા ડુપ્લીકેટ પોલીસ વેરિફિકેશન થયું હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડમાં પોલીસે અતુલના બે યુવકોની ધરપકડ કરી તેમની પાસેથી ખોટા દસ્તાવેજો અને પુરાવા ઊભા કરવા માટેના કેટલાક સાહિત્યકારોના નમુના અને પોલીસના બનાવેલા કેટલાક સિક્કા સહિતની કોમ્પ્યુટર અને ઝેરોક્ષ મશીન મળી આવ્યો હતો. છેલ્લા 10 માસથી આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોને ખોટા દસ્તાવેજો દ્વારા નોકરી પ્રાપ્ત કરી હોવા કોમ્પ્યુટરના આધારે પોલીસ તપાસમાં બહાર આવ્યું.
નકલી પોલીસ વેરીફીકેશન અંગે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે આપી માહિતી
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા આ સમગ્ર કૌભાંડ બાબતે માહિતી આપતાં જણાવ્યું કે, વલસાડ નજીક આવેલી અતુલ કંપનીમાં નોકરી ઉપર રાખવા પૂર્વે કોઈપણ કામદારે પોલીસ વેરિફિકેશન કરવું જરૂરી છે એટલે કે તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો તેવા લોકોને કામ ઉપર તેઓ રાખતા નથી. ત્યારે અન્ય રાજયોમાંથી આવી અહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કામ કરતા અનેક લોકોને દર વખતે પોલીસ વેરિફિકેશન કરવું પડે છેે.
200 થી વધુ લોકોને ખોટા પોલીસ વેરિફિકેશન આધારે પ્રમાણપત્રો
વલસાડ રૂરલ પોલીસે પકડેલા બે આરોપી પાસેથી મળી આવેલા કોમ્પ્યુટર અને તેઓની સઘન પૂછપરછ કરતાં છેલ્લા 10 માસમાં અત્યાર સુધીમાં કુલ 200થી વધુ લોકોને ખોટા દસ્તાવેજો દ્વારા પોલીસ વેરિફિકેશનનું પ્રમાણપત્ર આપી તેઓને નોકરીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે ખોટા દસ્તાવેજ અને ખોટા પોલીસ વેરિફિકેશનને આધારે નોકરી મેળવનારા અને આ ખોટા પ્રમાણપત્રોને આધારે નોકરી ઉપર રાખનારા કોન્ટ્રાક્ટર સામે પણ પોલીસ હવે કાર્યવાહી કરશે.
400 રૂપિયામાં આપતા હતા પ્રમાણપત્ર
કંપનીમાં કામ કરતાં 12 થી 13 જેટલા કોન્ટ્રાક્ટરો પૈકી તમામ લોકોએ આ કામગીરી રમજાન શેખ અને રિતેશ નામના શખ્સને આપી હતી. પરંતુ આ બંને ઈસમોએ પોલીસના ખોટા સિક્કા અને પીએસઆઈની ખોટી સહી કોમ્પ્યુટરમાં બનાવી નકલી પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર લોકોને માત્ર રૂપિયા 400માં આપતા હતાં.
13 જેટલા કોન્ટ્રાક્ટરો સામે પોલીસ કાર્યવાહીની શક્યતા
અત્યાર સુધીમાં 200થી વધુ જેટલા લોકોએ ખોટા પોલીસ વેરિફિકેશનને આધારે કંપનીમાં નોકરી મેળવી છે. જોકે આ નોકરી આપનાર આ 13 થી વધુ જેટલા કોન્ટ્રાક્ટરો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે અને આ 13 કોન્ટ્રાક્ટર સામે પણ હવે પોલીસ ડુપ્લીકેટ સર્ટીફિકેટને આધારે નોકરી આપવાનો ગુનો દાખલ કરી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરશે.
આમ વલસાડ જિલ્લામાં પોલીસના સહી સિક્કા અને ડુપ્લીકેટ કલર ઝેરોક્ષનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર બનાવી આપવાનું મસમોટુ કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યુ છે અને બે લોકોની ધરપકડ કરી છે. ત્યારે આગામી દિવસમાં વધુ લોકો સામે પણ આ કેસમાં કાર્યવાહી થઈ શકે તેમ છે.