- જલારામ જ્યંતિની ઉજવણીના ભાગ રૂપે 7 દિવસીય ભવ્ય શોભાયાત્રાનું આયોજન
- જલારામ ધામ ખાતે 44 વર્ષથી બાપાની જન્મ જયંતિની ઉજવાણી કરવામાં આવે છે
- શોભાયાત્રા વિવિધ ગામોમાં ફરી ફલધરા ખાતે આવેલા જલારામ ધામ ખાતે પૂર્ણ થશે
વલસાડ : જલારામ જયંતિના ઉત્સવને લઇને નીકળેલી ભવ્ય જલારામ બાપાની શોભાયાત્રા વિવિધ ગામોમાં ફરી રહી છે અને લોકો આ શોભાયાત્રામાં આસ્થાભેર જોડાઈ રહ્યા છે. ધરમપુર નજીક આવેલા વાંકલ ગામે આ શોભાયાત્રા બુધવારના રોજ પહોંચી હતી. જ્યા લોકોએ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 7 દિવસીય શોભાયાત્રા વિવિધ ગામોમાં ફરી ફલધરા ખાતે આવેલા જલારામ ધામ ખાતે પૂર્ણ થશે.
44 વર્ષથી કરવામાં આવે છે જલારામ જયંતિની ઉજવણી
આગામી દિવસોમાં આવી રહેલા જલારામ જયંતિના પર્વને અનુલક્ષીને વિવિધ સ્થળોએ જલારામ જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડના ફલધરા ખાતે આવેલા જલારામ ધામ ઉપર દર વર્ષે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જે પૈકી ચાલુ વર્ષે પણ જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
જલારામ જયંતિની ઉજવણીના ભાગ રૂપે 7 દિવસીય શોભા યાત્રા
જલારામ જયંતિને અનુલક્ષી સાત દિવસની શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. આ શોભાયાત્રા વિવિધ ગામોમાં ફરી રહી છે અને તારીખ 22ના રોજ જલારામ ધામ ફલધરા ખાતે પહોંચશે.
વેલવાચ ગામેથી નીકળી જલારામ બાપાના રથ સાથેની શોભાયાત્રા
તારીખ 13 નવેમ્બરના રોજ વેલવાચ ગામેથી નીકળેલી શોભાયાત્રા કુંડી, કાકડમટી, કચીગામ થઈ ફલધરા ગામે તારીખ 21 નવેમ્બરના રોજ પહોંચશે.
જલારામ બાપાની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રા વાંકલ પહોંચી
વેલવાચ બાલુભાઈના નિવસ્થાનેથી નીકળેલી જલારામ બાપાના રથ સાથેની આ શોભા યાત્રા બુધવારે વાંકલ ગામે જલારામ ફળીયામાં પહોંચી હતી. જ્યાં આરતી બાદ રથયાત્રા સાથે આવેલા તમામ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. નોંધનીય છે કે, ફલધરા ખાતે આવેલા જલારામ ધામ ખાતે 44 વર્ષથી બાપાની જન્મ જયંતિની ઉજવાણી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ તૈયારીઓ ચાલી રહી છે.