વલસાડ : જિલ્લાની સરીગામ GIDCમાં આવેલ વેન પેટ્રોકેમ અને ફાર્મા લિમિટેડ નામની કંપનીમાં સોમવારે રાત્રે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ કંપનીનો 2 માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટના બાદ વહીવટીતંત્ર એ 24 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કાટમાળ હટાવ્યો હતો. જેમાંથી 4 મૃતદેહો મળી આવતા તેમની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર બનાવ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ GIDCમાં સોમવારે રાત્રે વેન પેટ્રોકેમ અને ફાર્મા લિમિટેડ નામની કંપનીમાં 11:30 વાગ્યે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકામાં કંપનીનો સિમેન્ટ કોન્ક્રીટના સ્લેબ સાથે બનાવેલ શેડ ધરાશાયી થયો હતો. ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી બીજા દિવસે મંગળવારે મોડી રાત સુધી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો, ઘટના અંગે GPCBના અધિકારી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ મુલાકાત કરી આગ, બ્લાસ્ટ અને જાનહાની અંગેની વિગતો તેમજ પ્રાથમિક તારણો રજૂ કર્યા હતાં.
GPCBએ પર્યાવરણના નુકસાન અંગે કયાસ કાઢ્યો : કંપનીમાં બનેલ ઘટના અંગે સરીગામ GPCB ના અધિકારી ઓ.એ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન કંપનીમાં કામકાજ બંધ હતું, પરંતુ કોઈક ચકાસણી કરવા માટે 4 કામદારો અને સિક્યુરિટી ગાર્ડ અંદર ગયા હતાં. તે દરમિયાન સ્ટોરેજ અને પેકિંગ એરિયામાં બ્લાસ્ટ થયો હતો. કંપની ફાર્મ ઇન્ટરમિડીયેટ અને સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ પર ઉત્પાદન કરતી હતી. બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. તેમજ કંપનીનું એક સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. હાલ GPCB દ્વારા આ ઘટના બાદ વાતાવરણમાં હવાને, પાણીને કેટલું પ્રદુષિત કર્યું છે. તે અંગે કાર્યવાહી કરી છે. ઘટના દરમિયાન ધૂળના રજકણો હવામાં ભળ્યા છે.
24 કલાક ચાલી કાટમાળ હટાવવાની કામગીરી : વલસાડ જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (DISH) ડી. કે. વસાવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ અને ફાયરની ઘટના બની હતી.કંપનીના 4 જેટલા કામદારો અને સિક્યુરિટી ગાર્ડ અંદર જ ફસાયા હોવાની જાણકારી મળી હતી. જેથી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી સાધન સામગ્રી અને સ્ટાફને બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં સોમવારે રાત્રે 11:30 વાગ્યા આસપાસની ઘટના બાદ ધરાશાયી થયેલ સ્લેબના કાટમાળમાંથી સવાર સુધીમાં 3 મૃતદેહો મળ્યા હતાં. 2 કામદારો ઈજાગ્રસ્ત અવસ્થામાં મળ્યા હતાં. જ્યારે મંગળવારે મોડી રાત્રે એટલે કે 24 કલાક બાદ 4થો મૃતદેહ મળી આવ્યો હતો.
કામદારોના મૃતદેહ મળ્યા : કંપની સંચાલકો તરફથી વિગતો મળી હતી કે, આગ અને બ્લાસ્ટની ઘટના પહેલા સુભાષ સરૈયા, કીર્તિ પટેલ, પ્રતાપ ભાગદોડીયા અને વિકેશ ઘોડી નામના 4 કામદારોના મૃતદેહો ક્ષત વિક્ષત હાલતમાં કાટમાળ નીચેથી મળી આવ્યા છે. જ્યારે સિક્યુરિટી ગાર્ડ પ્રદીપ પાગી અને ડ્રાઇવર મોન્ટી કાંતિલાલ પટેલ ઈજાગ્રસ્ત થયા હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ચારેય મૃતદેહો હાલના તબક્કે ઓળખ કરવી મુશ્કેલ છે. એટલે તેમની ઓળખ કરી તેમના પરિવાજનોને સુપરત કરવામાં આવશે.
આ પણ વાંચો : Fire incident in Surat: 13 માળની બિલ્ડીંગમાં આગ 40 થી 50 લોકોનું રેસ્ક્યુ કરાયું
મૃતકના પરિવારજનોમાં વાતાવરણ ગમગીન બન્યું : વધુમાં DISHના અધિકારીએ ઘટના અંગે પ્રાથમિક તારણો રજૂ કરતા જણાવ્યું હતું કે, બ્લાસ્ટની ઘટના દરમિયાન કંપનીમાં આ તમામ લોકો પોતાના ઘરેથી કંપનીમાં આવ્યા હતાં. કંપનીના સ્ટોરેજ કમ પેકિંગ એરિયામાં કંઈક ગરબડ હોવાનો તેમને મેસેજ મળ્યો હતો. જે બાદ તેની ચકાસણી કરવા તેઓ અંદર ગયા હતા. ત્યારે ફિનિશ પ્રોડક્ટ અને પેકિંગ એરિયામાં આ ધડાકો થયો હતો. જેમાં 4ના મૃત્યુ થયા હતા, જ્યારે 2 ઈજાગ્રસ્ત થયા હતાં. બ્લાસ્ટ અને આગની ઘટના બાદ પોલીસ, GPCB વહીવટીતંત્ર અને ફાયરના જવાનોએ સ્લેબનો કાટમાળ હટાવી મંગળવારે મોડી રાત સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢ્યા હતાં. બ્લાસ્ટ-આગ અને જાનહાની આ અરેરાટી જનક ઘટના સ્ટેટિક ચાર્જના સ્પાર્ક બાદ બની હોવાનું પ્રાથમિક તારણ કાઢી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે મૃતકના પરિવાજનો સહિત સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
આ પણ વાંચો : Fire Broke Surat : સુરતના BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ
મૃતક કામદારોના પરિવારોને સહાય : ઉલ્લેખનીય છે કે, કંપનીમાં બનેલી ઘટનાને વલસાડ જિલ્લા પ્રશાસને દુઃખદ ઘટના ગણાવી છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી તમામ ચારેય મૃતકના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેવી વિગતો વલસાડ કલેકટર ક્ષિપ્રા આગે આપી હતી. તેમજ આવી ઘટના દરમિયાન અફવાથી દૂર રહી પ્રશાસનની સૂચના પર જ ભરોસો રાખવા લોકોને અપીલ કરી હતી.