વાપી : કેન્દ્ર સરકાર દ્વારા ટ્રક અકસ્માત દરમ્યાન ઇજાગ્રસ્તને સારવાર માટે નહીં લઈ જાય તો તેવા ચાલક સામે કાયદેસરની સજા કરવાના બિલને લઈ હાલ ટ્રક ચાલકોમાં વિરોધનો અવાજ ઉઠ્યો છે. જે અંતર્ગત વાપી જીઆઈડીસીમાં કોઈ ટીખળ ખોર ક્રેન ચાલકે જાહેર માર્ગ પર ક્રેન મૂકી ચક્કાજામ કરાવતા ટ્રાફિક શાખા, ટ્રાન્સપોર્ટ એસોસિએશન દોડતું થયું હતું.
ચક્કાજામ સર્જાયો : વાપી જીઆઈડીસીમાં વિનંતી નાકા પાસે સરકારના નવા કાયદાને લઈ કેટલાક ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એક ક્રેન ચાલકે જાહેર માર્ગ પર ક્રેન આડી મૂકી રસ્તાને બ્લોક કરી દેતા ચક્કાજામ સર્જાયો હતો. જો કે આ સમગ્ર મામલે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ વિરોધ કોઈએ શાંતિ ડહોળવા કર્યો હોવાનું જણાવ્યું હતું.
ક્રેન રસ્તા વચ્ચે મૂકી દીધી : વાપીમાં જીઆઈડીસીવિસ્તારમાં સરકારના નવા કાનૂનને પરત લો એવા સૂત્રોચ્ચાર સાથે અમુક ટ્રકચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. ટ્રકચાલકોએ એકઠા થઇ રસ્તા વચ્ચે ક્રેન મૂકી દીધી હતી. જેને લઈ બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળતા જીઆઈડીસી પોલીસ, ટ્રાફિક શાખા વલસાડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવી ક્રેન કોણે મૂકી તે અંગે તપાસ હાથ ધરી હતી.
ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરીની અપીલ : તો, અચાનક સરકારના નવા નિયમને લઈ જાહેર માર્ગ બ્લોક કરવાની આ ઘટના અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી બાલાજી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ટીખળખોરનું કાર્ય છે. હકીકતમાં હજુ કોઈ કાયદો બન્યો નથી અને જે કાનૂન બનવાનો છે. તેનાથી ટ્રક ચાલકોને કેટલું નુકસાન થઈ શકે છે તે અંગે એસોસિએશન દ્વારા મંત્રાલયમાં પત્ર મોકલવામાં આવ્યો છે. દરેકને અપીલ કરવામાં આવી છે કે, ક્યાંય કોઈ કોઇપણ પ્રકારનો વિરોધ કરે નહીં છતાં આ કોઈની ચડામણીમાં વિરોધ કરાયો છે. જે દુઃખદ છે. ટ્રક ચાલકોને અપીલ કરી હતી કે, આવી કોઈ પણ પ્રકારની હરકત કોઈપણ ટ્રક ચાલક કરે નહી. ઉલ્લેખનીય છે કે એકાદ કલાકના ચક્કાજામથી અનેક વાહનો અટવાયા હતાં. જે બાદ પોલીસે રસ્તો ખુલ્લો કરાવતા વાહનવ્યવહાર યથાવત થયો હતો.