સમગ્ર વિશ્વ બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ તારીખ 5 જૂનથી 11 જૂન સુધી વિશ્વ પર્યાવરણ સપ્તાહ દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત અર્બન વિસ્તારમાં બીટ એર પોલ્યુશન વિષય ઉપર ઉજવણી કરવામાં આવશે.
બુધાવારે વલસાડ નગરપાલિકાના પ્રમુખ પંકજ આહિર, માજી પ્રમુખ અને હાલના સભ્ય સોનલબેન સોલંકી તેમજ પાલિકા સ્ટાફ અને કર્મચારીગણે ભેગા મળીને શહેરી વિસ્તારમાં કોઇ પણ ગંદકી ન કરવા તેમજ વલસાડ શહેરને સાફ-સ્વચ્છ નિર્મળ ગંદકીમુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવી કોઇપણ સ્થળે કચરો ન સળગાવવાની બધાએ ઉભા થઇ હાથ લાંબો કરીને પ્રતિજ્ઞા લીધી હતી.
તેમજ આ પર્યાવરણ સપ્તાહની ઉજવણી દરમિયાન શહેરીજનોને પણ તેમણે અપીલ કરી હતી કે, પ્રદૂષણ ફેલાવતું અટકાવવા માટે તેમના દ્વારા પણ મહત્વનો સહયોગ આપવામાં આવે તેવી અપીલ તેમણે કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ અને સ્ટાફ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.