વલસાડઃ દમણથી દારૂ હેરાફેરી કરવા બૂટલેગર હવે મોંઘીદાટ કારનો ઉપયોગ કરવામાં પણ અચકાતા નથી. આવો એક કિસ્સો સામે આવ્યો છે વલસાડમાંથી. અહીં એક લક્ઝ્યૂરિયસ કાર દારૂ લઈ રાત્રિના દમણથી નીકળી હતી. આ અંગે વલસાડ LCBને બાતમી મળતા ખડકી હાઈવે એપિકલ હૉટલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો'તો. જોકે, પોલીસે હાર ન માનતા કારનો 18 કિલોમીટર જેટલો પીછો કરી કારને ઝડપી લીધી હતી. જોકે, કારચાલક ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો Vadodara Crime: સંસ્કારીનગરી પર ફરી લાગ્યું કલંક, LCBએ ઝડપી પાડ્યો દારૂ
પોલીસને જોઈ કારચાલકે દારૂ ભરેલી કાર ભગાવીઃ વલસાડ LCBએ નેશનલ હાઇવે નં 48 પર વોચ ગોઠવી હતી અને એપ્લાય ફોર રજિસ્ટ્રેશન લખેલી ઓડી કાર આવતા તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો. જોકે, કારચાલક પૂરઝડપે કાર હંકારી ભાગી ગયો હતો.
પોલીસે કારનો પીછો કર્યોઃ LCB પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતાં કારચાલકે પારડી દમણીઝાંપાનો બ્રિજ નીચે ઉતારી યુ ટર્ન મારી ખડકી તરફ ભગાવી હતી અને મોતીવાડાથી દમણ તરફ હંકારી હતી. જોકે, પોલીસે કારનો સતત પીછો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ કારચાલકે કારને ઉદવાડા સ્ટેશન તરફ ભગાવી હતી.
સાંકડી ગલીમાં કાર ભગાવતા ઝાડ સાથે આથડાઈ કારઃ કીકરલા પ્રાથમિક શાળા આગળથી સાંકડી ગલીમાં ભાગવા જતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસે આ દારૂ ભરેલી ઓડીને પકડવા સતત 15થી 18 કિલોમીટરની આમતેમ દોડ લગાવી પડી હતી. બીજી તરફ કાર અથડાયા બાદ પણ બૂટલેગર અને ચાલક કાર મૂકી ભાગવા નીકળતા ક્લિનર પરેશ નવીનચંદ્ર રાઠોડ (રહે. નાની દમણ દુનેઠા મારોલ પાર્ક) ઝડપાયો હતો. જ્યારે કારચાલક હેમંત મોહનભાઈ પટેલ (રહે દમણ ભીમપોર) ભાગવામાં સફળ રહ્યો હતો.
મોંઘીડાટ કાર માંથી પોલીસે જંગી દારૂનો જથ્થો ઝડપી લીધોઃ આ કારમાંથી પોલીસને અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ 768 કિમત 1,03,200 રૂપિયાનો જથ્થો હાથે લાગ્યો હતો. તેમ જ 15 લાખ રૂપિયાની કાર અને દારૂ મળી 16,08,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો વિરલ રાજેશભાઈ પટેલ (રહે. દમણ મરવડ) અને યશ બાબલો પટેલ (રહે. દમણ મોટીવાંકડે) ભરાવી આપ્યો હોવાનું બહાર આવતા આ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બૂટલેગર હવે પોલીસથી બચવા મોંઘીદાટ કારનો ઉપયોગ કરે છેઃ સામાન્ય રીતે અગાઉ દમણથી દારૂ ગુજરાતમાં લાવવા માટે ખેપિયાઓ સામાન્ય કાર કે, જૂની કાર ઉપયોગ કરતા હતા, પરંતુ પોલીસની નજરથી બચવા હવે મોંઘીદાટ કારનો ઉપયોગ કરવામાં આવે છે. આની પાછળનું કારણ છે કે, મોંઘી કાર મોટા ભાગે ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓ ઉપયોગ કરતા હોય. ત્યારે પોલીસની આંખથી બચી શકાય એવું બૂટલેગરો માનતા હોય છે, પરંતુ તેમ છતાં પોલીસની આંખથી કોઈ બચી શકતું નથી.
આ પણ વાંચો Viral Video: સિદ્ધપુર પાસે દારૂ ભરેલી કારને અકસ્માત, દારૂ-બિયર લેવા લોકોની પડાપડી
પોલીસની નજરથી છૂપાવવા અનેક તરકીબો આજમાવે છે પણ ફાવી શકતા નથીઃ આ સમગ્ર બાબતે એલ.સી.બી. પીઆઈ વી. બી. બારડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ અનેક મોંઘીદાટ ગાડીઓમાં દારૂ લઈ જતા ઝડપી પાડવામાં આવ્યો છેસ પરંતુ લક્ઝુરિયસ કારમાં વધુ પડતું પોલીસનું ધ્યાન એટલે નથી જતું હોતું કે, ફેમિલી સાથે કોઈ સારા કુટુંબની વ્યક્તિઓ જતી હોય એવું માનવામાં આવે છે, પરંતુ પૂર્વ બાતમીને આધારે પોલીસે ચોક્કસ બૂટલેગર સુધી પહોંચી જતી હોય જ છે. આજે પણ પોલીસે 18 કિમી પીછો કરી કારને ઝડપી લીધી હતી.