વલસાડ: અમદાવાદની હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફરી એકવાર ગુજરાતના શહેરોમાં હોસ્પિટલો-સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના મામલે ચાલતી અનેક પોલ બહાર આવી છે. વલસાડ જિલ્લામાં પણ ફાયર સેફ્ટીના મુદ્દે હોસ્પિટલ, સ્થાનિક સંસ્થાઓ, હાઇરાઈઝ ઇમારતોમાં ફાયર સેફટીના નામે ભોપાળુ બહાર આવ્યું છે.
જો કે, વલસાડ કલેકટર આર.આર. રાવલે આ અંગે જણાવ્યું હતું કે, અમે આ માટે ખાસ કોર કમિટીની રચના કરી છે. જે દરેક હોસ્પિટલ-સંસ્થામાં તપાસ કરી રહી છે. 13 જેટલી હોસ્પિટલના પ્રમાણપત્ર પણ મળ્યા છે. ફાયર સેફ્ટી મુદ્દે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, વાપી ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં અવારનવાર અનેક મોટી આગ હોનારત થતી આવી છે. આ સાથે જ અનેક મોટી હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, હાઈરાઈઝ બિલ્ડિંગ આવેલી છે. જેમાં મોટા ભાગનાએ ફાયર સેફ્ટીની જાગૃતિ રાખી છે. તેમ છતાં અનેક એવા પણ છે, જેને માત્ર નામની જ ફાયર સેફટી રાખી છે. જેને કારણે જ્યારે પણ આગની ઘટના બને છે, ત્યારે એ ભોપાળુ બહાર આવે છે. જેમાં તંત્રની નામ પૂરતી કાર્યવાહી આવા લોકોને ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકાર બનવાની તક પુરી પાડે છે.