વડોદરા: વડોદરા શહેરમાં મકરસંક્રાંતિ પર્વની રાત્રીએ જેતલપુર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. હાલ જેતલપુર બ્રિજની નીચે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. ત્યાં નશામાં ચૂર શખ્સે કાર લાવીને આડી કરી મુકી હતી.
આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઇ ન્હોતી. પરંતુ ચાલકને શરૂઆતમાં અડધો કલાક તો બોલવાના પણ હોશ ન હતો.ઘટના બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને નશાથી ચકચૂર શખ્સને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટનામાં ચાલક પોતે પાદરાનો મેજીસ્ટ્રેટ હોવાનો મીડિયા સમક્ષ દાવો કરતા નજરે પડ્યો હતો. આ ઈસમની ઓળખ નરેશ પર્માભાઇ વણકર (રહે. મામલતદાર ક્વાટર્સ, પાદરા) ના હોવાનું બહાર આવ્યું છે.
નશામાં ધૂત કારચાલક
ધડાકાભેર અવાજ થતા લોકો દોડીને આવ્યા હતા. અને જોયું તો ડ્રાઇવિંગ સીટ ઉપર એક ઈસમ નશાની હાલતમાં હતો. તેને ઢંઢોળતા તેને કોઇ ભાન ન હતું. આ ઈસમને સીટ ઉપર જ આડો પાડી દઇને તેને જગાડવાનો ખુબ પ્રયત્ન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા. પરંતુ તેની કોઈ અસર જોવા મળી ન હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા કાફલો તુરંત દોડી આવ્યો હતો અને નશામાં ચક ચૂર ઈસમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને ખભાનો સહારો આપીને પોલીસની વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો.
હું મેજિસ્ટ્રેટ છું,પાંજરાનો મેજિસ્ટ્રેટ"
આ ઈસમને ગાડી માંથી બહાર કાઢતા સમયે તેની કારમાં ડેપ્યુટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ લખેલી તક્તી નીચે પડેલી જોવા મળી હતી. જેને પગલે તે કોઇ સરકારી અધિકારી હોય તેવું લાગતું હતું. ઈસમને પોલીસવાનમાં બેસાડવા જતા તેણે તોતડાતી જીભે મીડિયા સાથે વાત કરતા એટલું જ બોલ્યો કે હું મેજીસ્ટ્રેટ છું, હું પાદરાનો મેજીસ્ટ્રેટ. નશામાં ચૂર ઈસમને પોલીસ મથક લઇ જઇને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.