ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલીધુઆ ગામે વડીલો પાર્જીત આંબાવાડીમાં સંપૂર્ણ ઓર્ગેનિક્સ ખેતી પદ્ધતિથી જયેશ ઓઝા નામના ખેડૂતે હાફુસનું બમ્પર ઉત્પાદન મેળવ્યું છે. જયેશ ઓઝા માને છે કે, માત્ર છાણીયા ખાતરથી જ દરેક પાકમાં સારું ઉત્પાદન લઈ શકાય છે. રાસાયણીક ખાતરનો ઉપયોગ ખર્ચ અને ઉત્પાદન બંને માટે નુકસાનકારક છે.
માવઠામાં પણ માતબર હાફૂસ: વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાએ અને માવઠાએ કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોને આ વર્ષે 80 ટકા જેટલું નુકસાન પહોંચાડ્યું છે. ઉમરગામ તાલુકાના ખેડૂત જયેશ ઓઝાએ ઓર્ગેનીક ખેતી પદ્ધતિથી હાફુસનું 80 ટકા જેટલું બમ્પર ઉત્પાદન મેળવ્યું છે. રાધા ફાર્મ નામે આંબાવાડી ધરાવતા જયેશ ઓઝા જણાવે છે કે, તેમની વાડીમાં અંદાજિત 4 હજાર જેટલા આંબાના ઝાડ છે. જેમાં 80 ટકા હાફૂસ અને 20 ટકા કેસર છે.
12 હજાર મણ કેરી ઉતારશે: જયેશ ઓઝાના અંદાજ મુજબ આ વર્ષે તેમની વાડીમાં તેઓ અંદાજિત 12 હજાર મણ કેરી ઉતારશે. ગત વર્ષે તેમણે 8 હજાર મણ કેરી ઉતારી હતી. વિપરીત વાતાવરણમાં પણ તે વર્ષે 6 એપ્રિલથી 15 જૂન સુધીમાં સતત ત્રણ તબક્કાની કેરી ઉતારે છે. જેમાંનો કેટલોક જથ્થો તે મુંબઈના વેપારીને વેંચે છે.
300 ગ્રામની હાફૂસ: માત્ર છાણીયું ખાતર આપી સરેરાશ 300 ગ્રામની એક એક હાફૂસ કેરી મેળવતા જયેશ ઓઝાની હાફૂસ કેરીની મીઠાસ અન્ય હાફૂસ કરતા અનેકગણી ચડિયાતી છે. તેમની આ પદ્ધતિ અંગે ખેડૂત તાલીમ કેન્દ્ર વલસાડ-પારડીના નાયબ જિલ્લા બાગાયત અધિકારી ડી. એન. પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ, મૂત્ર, જીવામૃત, ઘનમૃતનો ઉપયોગ થાય છે. જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને મબલખ ઉત્પાદન આપે છે.
આ પણ વાંચો Kesar keri of junagadh: સાલેહભાઈની આંબળીથી કેસર સુધીની ઓળખ પ્રાપ્ત કરનાર ગીરની કેરીનો રસપ્રદ અહેવાલ
16 હજાર ખેડૂતો કરે છે ઓર્ગનીક ખેતી: નાયબ ખેતી નિયામક ડી. એન. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 'રાસાયણિક ખાતરના ઉપયોગ સાથેની ખેતી સામે પ્રાકૃતિક ખેતીથી દરેક પાક વિપરીત વાતાવરણમાં કે કુદરતી માવઠાની સામે રક્ષણ મેળવી લે છે. વલસાડ જિલ્લામાં આત્મા અને બાગાયત વિભાગ દ્વારા 16 હજાર જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે. 30 હજારથી વધુ ખેડૂતોને તે અંગે તાલીમ આપી છે. 23 ગ્રામ પંચાયત દીઠ 75થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. જિલ્લામાં 17 હજાર એકરમાં ખેડૂતો આંબા, ચીકુની કલમ અને શાકભાજી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરે છે.'
આ પણ વાંચો Parthenium Plant: શરીર માટે જોખમી છે પારથૅનીયમ, જાણો કેમ ફેલાય છે આ ખતરનાક છોડ