વલસાડઃ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી જન્માષ્ટમી ગણેશ મહોત્સવ અને તાજીયા આ ત્રણેય તહેવારો દરમિયાન કોઈપણ રીતે જુલુસ કે પંડાલો ગણપતિની મૂર્તિની સ્થાપના નહીં કરી શકે. તેમજ ગણેશભક્તો ચાર ફૂટ કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ પણ સ્થાપિત કરી શકશે નહીં. તેમજ વિસર્જન માટે પણ નદી તળાવ કે કૃત્રિમ જગ્યા ઉપર વિસર્જન નહીં કરી શકે. આ જાહેરનામાના કારણે ગણેશ મંડળમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ તંત્ર લોકોને આ જાહેરનામાનું પાલન કરવાની ફરજ પાડી રહ્યું છે.
વલસાડ જિલ્લા કલેક્ટર આર. રાવલ આજે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં વૈશ્વિક મહામારી કોરોના ને લઈને દરેક જગ્યા ઉપર વધી રહેલા કોરોના પોઝિટિવની સંખ્યાને જોતા તેમણે આ જાહેરનામું જનહિતના અર્થે બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 28થી 2 સપ્ટેમ્બર સુધી આવતા તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈપણ વ્યક્તિ કે કોઇપણ સંસ્થા કે મંડળો જાહેર સ્થળો પર મંડપો પાડીને પોતાની કામગીરી કરી શકશે નહીં.
આગામી દિવસમાં આવી રહેલા જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવના તહેવારને લઈને આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ચાર ફૂટ કરતા વધુ ઊંચાઈ ની મૂર્તિ કોઈપણ સ્થાપના કરી શકશે નહીં તો સાથે-સાથે શોભાયાત્રા યોજી જાહેર સ્થળો એટલે કે, તળાવ નદીઓમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આવી રહેલા તાજીયાના તહેવારને લઈને તાજીયા પણ ચાર ફૂટ કરતાં વધુનો બનાવી શકાશે નહીં કે તેમનું જુલુસ પણ કાઢી શકાશે નહીં.
આ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હિન્દુઓના તહેવાર દશામાં જન્માષ્ટમી ગણેશ મહોત્સવ શ્રાવણ માસ તેમજ મુસ્લીમ બિરાદરો ના તહેવાર બકરી ઈદ મોહરમ દરમિયાન કોઈપણ પ્રકારનો જુલુસ વિસર્જન કે શોભા યાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો સાથે-સાથે એક ગણેશ મહોત્સવને ધ્યાને લેતા ગણેશની POPની મૂર્તિ કોઈપણ સાઇઝની મૂર્તિ બનાવવા સ્થાપવા વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરનું આ જાહેરનામું તારીખ 28થી 2 સપ્ટેમ્બર સુધી કાયમ રહેશે. જે કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે તેમની સામે ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 હેઠળ બિનજામીન લાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
મહત્વનું છે કે, જિલ્લા કલેક્ટરે આ જાહેરનામું કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેવા હેતુથી બહાર પાડ્યું છે અને જેનો જિલ્લામાં કડકપણે અમલ કરવામાં આવશે.