વલસાડ : ગુજરાતના વલસાડ જિલ્લામાં દર વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ વર્ષે પણ વલસાડ જિલ્લામાં ચોમાસાની સિઝન જામી છે. જિલ્લામાં સતત 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાપીની દમણગંગા નદીમાં નવા નીર આવતા દમણગંગા વિયર છલકાયો છે. સામાન્ય દિવસોમાં દમણગંગા વિયરમાં પાણીનું લેવલ 13.20 મીટર આસપાસ રહે છે. હાલમાં સતત વરસતા વરસાદનું પાણી નદીમાં આવતા દમણગંગા વિયરમાં પાણીનું લેવલ 14.50 મીટર પર પહોંચ્યું છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં તમામ તાલુકામાં સરેરાશ 1 ઇંચથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સરેરાશ 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદી આંકડા : તંત્રએ વલસાડ જિલ્લામાં શુક્રવારે નોંધાયેલ વરસાદના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ શુક્રવારે વહેલી સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં વલસાડમાં 82 mm વરસાદ વરસ્યો છે. ધરમપુરમાં 119 mm, પારડીમાં 51 mm, કપરાડામાં 160 mm, ઉમરગામમાં 35 mm, વાપીમાં 38 mm વરસાદ નોંધાયો છે. જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 60 mm, ખાનવેલમાં 42 mm અને દમણમાં 32mm વરસાદ નોંધાયો છે.
ખાનાખરાબીની માહિતી : વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણમાં મોટેભાગે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. ડાંગરની ખેતી માટે હાલનો વરસાદ અતિ ઉત્તમ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા છે. સતત ધીમીધારે વરસતા વરસાદને કારણે કોઈ મોટી જાનહાની કે જાનમાલનું નુકસાન થયું નથી. જોકે, જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા અને કોઝ-વે પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરી ડાયવર્ઝન રુટ આપવામાં આવ્યા છે. ઉપરાંત ક્યાંક ઝાડ પડવાના સામાન્ય બનાવો બન્યા છે.
સિઝનનો કુલ વરસાદ : વલસાડ જિલ્લામાં અને દાદરાનગર હવેલીમાં વરસેલા સીઝનના કુલ વરસાદની વિગતો તંત્રએ જણાવી છે. તે મુજબ વલસાડમાં સિઝનનો કુલ 382 mm વરસાદ નોંધાઈ ચુક્યો છે. ધરમપુરમાં 470 mm, પારડીમાં 433 mm, કપરાડામાં 478 mm, ઉમરગામમાં 636 mm, વાપીમાં 408 mm વરસાદ વરસ્યો છે. જ્યારે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં 441 mm, ખાનવેલમાં 466 mm અને દમણમાં 409 mm વરસાદ નોંધાયો છે.
મધુબન ડેમની સ્થિતિ : વલસાડ અને દાદરાનગર હવેલી ઉપરાંત મહારાષ્ટ્રના ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસ્યો છે. જેના પરિણામે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પણ નવા નીરની આવક વધી છે. ડેમનું લેવલ હાલ 68.10 મીટર પર પહોંચ્યું છે. ડેમમાં શુક્રવારે સાંજના 5 વાગ્યા સુધીમાં 40,464 કયુસેક નવા પાણીની આવક થઈ હતી. જ્યારે 5 વાગ્યા બાદ ઘટીને 20 હજાર ક્યુસેક રહી હતી. ડેમના તમામ દરવાજા હાલ બંધ છે.