વલસાડ : વાપીના ડુંગરા પોલીસ મથકે અમેરિકા સ્થાઇ થયેલ 77 વર્ષના એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન હડપ કરી લેવાનો મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસે લેન્ડ માફિયા રાજેશ વસંત પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. સતત 51 દિવસની લડત બાદ એનઆરઆઈ મહિલાને ન્યાય મળ્યો છે. વલસાડ : વાપી તાલુકાના છીરી-રાતા ગામે કરોડોની જમીન ધરાવતા અને હાલમાં અમેરિકા સ્થાઈ થયેલ 77 વર્ષની મહિલાએ પોતાની માલિકીની 2.56 કરોડની જમીન બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા હડપ કરી જનાર રાજેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણને લઈ વાપી પંથકમાં ચકચાર મચી ગઈ છે. એનઆરઆઈ મહિલાની જમીન હડપ કરનાર વ્યક્તિએ આવા અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
19 જાન્યુઆરી સુધીના કસ્ટડી રિમાન્ડ : વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાતા અને છીરી ગામની અલગ અલગ 10 જેટલા સર્વે નંબરવાળી જમીનની મૂળ માલિક મંજુલા રમેશચંદ્ર શાહ છે. જેની પાસે રાજેશ વસંત પરમારે 2019માં સર્વે નંબર 232 વાળી જમીનનો 85 લાખમાં સોદો કર્યો હતો. જે સોદાની રકમ પૈકી 35 લાખ રોકડા અને 12 લાખના ચેક મળી કુલ 47 લાખ રૂપિયા રાજેશ વસંત પરમારે મૂળ જમીન માલિક મંજુલાબેન શાહને આપ્યા હતાં. જ્યારે 38 લાખની રકમ ચૂકવી નહોતી. તેમજ તેમના નામની અન્ય કરોડો રૂપિયાની જમીન પણ બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા પોતાના નામે કરી અન્યને વેચી દીધી છે. આ મામલે ડુંગરા પોલીસે રાજેશ પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તારીખ 19 જાન્યુઆરી સુધીના કસ્ટડી રિમાન્ડ આપ્યા છે.
બોગસ પાવર ઓફ એટર્ની, ખોટી સહી : સમગ્ર પ્રકરણ અંગે ફરિયાદી મંજુલાબેને જણાવ્યું હતું કે, છેલ્લા 51 દિવસથી તેઓએ અમેરીકાથી વાપી આવી ન્યાય માટે લડત ચલાવી હતી. જેમાં ન્યાય મળતા સ્થાનિક પ્રશાસન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. અમેરિકાથી ભારત આવેલા મંજુલાબેને રેવન્યુ રેકર્ડમાં જઇ તેમની જમીનના રેકર્ડ તપાસતા તેમના હોશ ઉડી ગયા હતાં. કેમ કે, તેની રાતા અને છીરીમાં બીજી અલગ અલગ સર્વે નંબરની જમીનના બોગસ પાવર ઓફ એટર્ની, ખોટી સહી કરી રાજેશ વસંત પરમારે પોતાના નામે વેંચાણ દસ્તાવેજ કરી લીધા હતાં અથવા તો તે જમીન અન્યને વેચી દીધી હતી.
સરકારી જમીન પર આલીશાન મકાન : કરોડોની જમીન હડપ કરી છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો હોવાનું ધ્યાને આવતા વૃદ્ધાએ ડુંગરા પોલીસે રાજેશ વસંત પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. તો આવી જ ગોબાચારી છરવાડા ગામે પણ કરી હોવાનો આક્ષેપ અન્ય જાગૃત નાગરિક એવા સુરેન્દ્ર પટેલે કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, એનઆરઆઈ મહિલાની જમીન હડપ કરનાર રાજેશ વસંત પરમારે તેમના ગામમાં આવેલ અંદાજિત 5 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પર આલીશાન મકાન બનાવી આ જમીન પચાવી પાડી છે. આરટીઆઈ મારફતે આ વિગતો મળ્યા બાદ તેઓ પણ આ સરકારી જમીન સરકારને પરત મળે તે માટે લડત ચલાવી રહ્યા છે.
મોટું જમીન કૌભાંડ બહાર આવે તેવી ચર્ચા : સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કરોડોની જમીન હડપ કરનાર રાજેશ પરમાર સામે જેમ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એવી જ છેતરપિંડી છરવાડા, બગવાડા જેવા ગામોમાં પણ કરી છે. જેમાં ભોગ બનનાર હજુ વધુ લોકો પણ ફરિયાદ કરવા આવી શકે છે. જો પોલીસ તે મામલે ચોક્કસ દિશામાં તપાસ કરશે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે તેવી ચર્ચા વાપી પંથકમાં ચર્ચાઈ રહી છે.
કરોડોની જમીન મામલે મૂળ માલિક સાથે છેતરપિંડી : ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર મંજુલાબેન રમેશચંદ્ર શાહ હાલ અમેરિકામાં નિવૃત જીવન જીવે છે. જેઓ મૂળ વાપી તાલુકાના રાતા ગામના વાણિયાવાડના રહીશ છે. રાતા ગામમાં તેમના નામે વડીલોપાર્જીત જમીન છે. જેના સર્વે નંબર 878, 37, 2, 45, 1705, 9 એમ અલગ અલગ કુલ 6 સર્વે નંબર ધરાવતી જમીન છે. જેની કિંમત 1,69,50,000 છે. એ ઉપરાંત રાતા છીરી ગામે સર્વે નંબર 1103, 1451, 1620, 878 મળી કુલ અલગ અલગ 4 સર્વે નંબર ધરાવતી જમીન છે. જેની કિંમત 86,50,000 છે. તમામ સર્વે નંબરો વાળી જમીનની કુલ કિંમત 2,560,5000 રૂપિયા છે. રાજેશ વસંત પરમાર નામના આ ઇસમે કરોડોની જમીન મામલે મૂળ માલિક સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા હાલ વાપી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.