વલસાડ : વલસાડ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન ડુંગરી પોલીસે શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કારમા સવાર ઇસમો કાર છોડી ભાગી ગયા હતાં. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ગાંજાનો 56 કિલો જથ્થો મળ્યો હતો. જેની અંદાજિત કિમત 5 લાખ કરતા વધુ છે. આ બનાવને પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકા જતા કારનો પીછો કર્યો : ડુંગરી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં ગાંજો લઈ જવાય રહ્યો છે. જેને પગલે પોલીસ હાઇવે ઉપર વાહન ચેકીંગ અને પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીવાળી કાર આવતા તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો છતાં કાર ચાલકે કાર ઉભી રાખી નહોતી.
પોલીસે ઈશારો કરવા છતાં કાર ઉભી ન રાખી : વલસાડ ડુંગરી નજીકમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી વાળી કાર આવતા તેને પોલીસે ઈશારો કરી અટકાવવાની કોશિશ કરી. પરંતુ અંદર સવાર 2 ઈસમોએ કાર પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી. જે જોતા પોલીસની શંકા વધુ પ્રબળ બની અને પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો.
હોન્ડા સિવિક કારમાંથી જથ્થો મળ્યો : મળતી વધુ વિગતો મુજબ, વલસાડ હાઇવે પર સુરતથી મુંબઈ તરફ જતા હાઇવે પર એક હોન્ડા સીવિક કાર નબર RJ.14.CF.3880 નબરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. જેમાં ડુંગરી પોલીસે આ કારનો શંકાના આધારે પીછો કરતા કાર ચાલક સહિત તેમાં સવાર 1 ઈસમ કારને હાઇવે પર કુંડી ભીનાર ફળિયા નજીક પાર્ક કરી ભાગી છૂટયાં હતાં.
કારમાંથી 56 કિલો જેટલો ગાંજો મળી આવ્યો : ત્યાર બાદ પોલીસે કારની ઝીણવટપૂર્વક તપાસ કરતા તેમાંથી 56 કિલો ગાંજાનો 5,64,900 રૂપિયાની કિંમતનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી ડુંગરી પોલીસ કરી રહી છે.
રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હતાં ત્યારે પૂર્વ બાતમી મળી હતી. હોન્ડા સીવિક કારમાં ગાંજો લઈ જવાઇ રહ્યો છે. જેને અનુલક્ષી હાઇવે ઉપર વોચ રાખતા બાતમી વાળી કાર આવતા તેને ઉભી રાખવા ઈશારો કર્યો. પરંતુ કારમાં સવાર 2 ઈસમોએ કાર હંકારી મુકતા પોલીસે પીછો કરી કારને પકડી. પરંતુ તેમાં સવાર ચાલક અને અન્ય એક કાર મૂકી ફરાર થઇ ગયાં.પોલીસે તમામ જથ્થો ગાંજો કબ્જે કર્યો છે ને તપાસ શરૂ કરી છે...જયદીપ સોલંકી ( પીએસઆઈ, ડુંગરી પોલીસ સ્ટેશન )
પોલીસ ઉચ્ચ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યાં : હાઇવે ઉપરથી કારમાં પાંચ લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો આ કારમાં કોણ હતું અને પોલીસને જોઈને કાર મુકી કોણ ભાગી ગયું તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આમ ડુંગરી પોલીસને ગાંજાનો વિપુલ પ્રમાણમાં જથ્થો હાથ લાગ્યો છે, જેને માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.