વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં ગણાતા પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલા જિલ્લાના ત્રણ ગામના લોકોને દર વર્ષે ચોમાસા દરમિયાન માર્ગ, આરોગ્ય અને શિક્ષણની અનેક સમસ્યા ઉદભવે છે. આ બાબતે ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ગામ લોકોની રજૂઆત બાદ કલેક્ટર આર.આર.રાવલે શુક્રવારે કપરાડા તાલુકાના ગામડાઓના પ્રવાસ કર્યો હતો.
આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમની મુલાકાત કરી હતી. તેમજ મધુબન ડેમની હાલની પાણીની સ્થિતિ અને ચોમાસા દરમિયાન તબક્કાવાર છોડવામાં આવતા પાણીની સ્થિતિ અંગે દમણ-ગંગા નહેર વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મધુબન ડેમ નજીક જ ગુજરાતના ત્રણ ગામો પણ આવેલા છે. આ ગામો મધુબન, રાયમલ અને નગર છે. આ ગામો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલા ગામ છે. આથી આ ત્રણેય ગામના લોકોને કોરોના મહામારી દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં 100 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે. ચોમાસા દરમિયાન વરસતા વરસાદથા અનેક મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. જેમાં અવાગમન માટે માર્ગ, આરોગ્ય અને શિક્ષણની સમસ્યા ખૂબ મોટી છે. જે અંગે કલેકટર સમક્ષ મધુબન ગામના લોકોએ રજૂઆત કરી હતી. જે સમસ્યાના સમાધાન માટે કલેકટરે આ ગામની મુલાકાત લઈ પાયાની સુવિધા અંગે માહિતી મેળવી હતી.
કલેકટર આર. આર. રાવલે આ સમસ્યાઓ અંગે દાદરા નગર હવેલી પ્રશાસન સાથે પણ જરૂરી પરામર્શ કરી ગામ લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનું જણાવ્યું હતું.