વાપીઃ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત હાલમાં રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને શરતોને આધીન શરૂ કરવામાં આપેલી મંજૂરીના કારણે જિલ્લામાં ત્રણ હજાર જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે. જે એકમોમાં સુરક્ષા અને સાવચેતીના પગલાં લેવાઇ રહ્યા છે કે નહિ તે અંગે કલેક્ટર ખરસાણે વાપીના 3 એકમોની મુલાકાત લીધી હતી.

આ એકમો દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબની શરતોનું પાલન થાય છે કે નહીં, તેમજ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની જાત માહિતી મેળવવા જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે વાપી ખાતેની આરતી ઇન્ડસ્ટ્રીઝ, UPL તેમજ વેલસ્પન કંપનીની આકસ્મિક મુલાકાત લઇ સેનેટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સ, કામદારોના પગાર, જમવાની વ્યવસ્થા સહિતની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન કંપનીઓમાં સરકાર દ્વારા સૂચવાયેલી શરતોનું પાલન અંગે ઝીણવટભરી તપાસ કરી જરૂરી સૂચનો કર્યાં હતાં. કલેક્ટર ખરસાણે જણાવ્યું હતું કે, હાલ જે એકમોની મુલાકાત લીધી છે. તેમાં કામદારોને ગયા મહિનાનો પગાર મળ્યો છે કે કેમ તે અંગે પણ જાણકારી મેળવી હતી. જેમાં એકમો દ્વારા પગાર ચૂકવાયો હોવાનું જાણવા મળ્યું છે.
પરંતુ, આ શરતી મંજૂરી દરમિયાન જો કોઈ એકમ નિયમોનું પાલન નહિ કરતી હોય તેવી વિગતો ધ્યાને આવશે તો તેવા એકમોને બંધ કરવાની નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.