વલસાડઃ મોટા પ્રમાણમાં લોકો STમાં મુસાફરી કરતા હોય છે, ખાસ કરીને ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં અવર-જવર કરવા માટે ST ડેપો સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. જેને પગલે લોકો અહીં ST બસોમાં મુસાફરી કરતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓ માટે ST વરદાનરૂપ સાબિત થાય છે, પરંતુ કોરોના વાઇરસના કારણે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરતાં રવિવારના રોજ ST વિભાગ દ્વારા તમામ ST ડેપો બંધ રાખવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાનો ST ડેપો પણ બંધ રહ્યો હતો અને અનેક રૂટો સતત બંધ રહેતા ડેપોમાં એક પણ મુસાફર જોવા મળ્યો નહોતો અને તમામ ડેપોમાં પાર્ક કરેલી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યૂનું સૂચન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પાલનને અનુલક્ષી ST વિભાગ દ્વારા તમામ ડેપો બંધ રાખવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેથી વલસાડ ST વિભાગ પણ સદંતર બંધ રહ્યો હતો.