- વલસાડ ચૂંટણીમાં જુના જોગીઓની ટિકિટ કપાઈ
- નવા ચહેરાઓને સ્થાન આપ્યું
- પીઢ કાર્યકરોમાં નારાજગી
વલસાડઃ જિલ્લા ભાજપ કાર્યાલય પર વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને ભાજપના પ્રધાનો સાથે અન્ય અગ્રણીઓએ વલસાડ જિલ્લાની આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તેમજ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોટેભાગે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો કેટલીક જગ્યાએ જુના ચહેરાઓની ટિકિટ કપાઈ છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપ દ્વારા કેટલાક નિયમો રાખવામાં આવ્યા હતા. જે મુજબ 60 વર્ષથી ઉપરનાને, ત્રણ ટર્મથી વધારે ચૂંટાયેલા ઉમેદવારને અને પાર્ટીના હોદ્દેદારો અને સંસંધીઓને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ટિકિટની નહીં મળતાં નારાજગી
પાર્ટીના આ નિર્ણયને કારણે વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના કેટલાક જુના જોગીઓની ટિકિટો કપાય છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થયા બાદ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે. આ સાથે જ જ્યાં ટિકિટો કપાય છે તે આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
ટિકિટ માટે કેટલાકે અન્ય હોદ્દાઓ છોડ્યા
વલસાડ જિલ્લા ભાજપના તાલુકા અને જિલ્લા સંગઠનના અગ્રણીઓને ટિકિટ મળી છે. ભાજપ પાર્ટીએ આ અગ્રણીઓને હોદ્દા પરથી રાજીનામું આપવાની શરતે ટિકિટની ફાળવણી કરી છે. વલસાડ જિલ્લામાં યોજાઇ રહેલી વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા તાલુકા પંચાયતની સાથે ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
28 બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા
વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠકો, વલસાડ તાલુકા પંચાયતની 31 બેઠકો, પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો, વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો, ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકો, ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકો અને કપરાડા તાલુકા પંચાયતની કુલ 30 બેઠકો સાથે ઉમરગામ નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
કાર્યકરોનો નારાજગીનો સૂર સપાટી પર આવે તેવી આશંકા
મોટી સંખ્યામાં આ વખતે ભાજપના કાર્યકર્તાઓએ પાર્ટી પાસે ટિકિટની માગણી કરી હતી. જેમાંથી અનેક ચહેરાઓની ટિકિટ કપાતાં હવે આગામી 2 દિવસમાં ભાજપમાં મોટાપાયે નારાજગીનો સૂર સામે આવે એવી પૂરી શક્યતા છે.