- ધરમપુર અને કપરાડાના 20થી વધુ ગામોમાં બપોર બાદ કમોસમી વરસાદ તૂટી પડ્યો
- બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક તુટી પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ
- ખેતરમાં ઊભા શાકભાજી અને આંબાવાડીમાં કેરીના પાકને નુકસાનનો ભય
વલસાડઃ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ત્રણ દિવસ વરસાદ થઈ શકે છે. તે મુજબ આજે ધરમપુરના 10થી વધુ ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ થયો છે, જેને લઈને ખેતીવાડીમાં શાકભાજી અને કેરીના પાકને નુકસાન થવાના ભયને લઈને ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે.
ધરમપુરના અંતરિયાળ એવા 10થી વધુ ગામોમાં કમોસમી વરસાદ
ધરમપુર નજીક આવેલા ધામણી, ભાણવડ, તામછડી, પેણધા, હૈદરી, વાંઝલટ, મોહના, કાવચલી, પોન્ધાજંગલ, કાસટ બારી, પિંડવડ, રાનવેરી, પીપરોળ, માંકડ બન જેવા અનેક ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ ગાજવીજ સાથે તૂટી પડયો હતો સતત એક કલાક વરસેલા વરસાદને કારણે રોડ-રસ્તાઓ ભીંજાઈ ગયા હતા.
![બપોરે અચાનક તુટી પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10687997_raining_a_gj10047.jpg)
કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ ખેતરમાં કરેલા શાકભાજીમાં ટામેટા, રિંગણ, ટિંડોળા જેવા અનેક ઊભા પાકને નુકસાન થવાનો ભય છે. સાથે સાથે ગવાર સિંગમાં આ વરસાદને કારણે ફુલ આવીને ખરી જતા હોય છે. આથી તેની સીધી ઉત્પાદન પર અસર પડે છે તો બીજી તરફ આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં હાલ મંજરી આવવાની સિઝન છે. વરસાદને કારણે મંજરીઓ કાળી થઈને ખરી જતી હોય છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે.
![ધરમપુર અને કપરાડાના ૨૦થી વધુ ગામોમાં બપોર બાદ કમોસમી વરસાદ તૂટી પડ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10687997_raining_b_gj10047.jpg)
અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો
આમ, ધરમપુર તેમ જ કપરાડાની આસપાસના વિવિધ ગામોમાં ગુરુવારે બપોરે ત્રણ વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.