વલસાડ: જિલ્લાના 40થી વધુ ગામના માછીમારો માછીમારી કરીને જીવન ગુજરાન ચલાવે છે. જેમાં વલસાડ અને પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં 200થી વધુ માછીમારો છે. જેઓ પોતાની રોજીરોટી મેળવવા માટે રોજિંદા દરિયામાં જતા હોય છે. પરંતુ સરકાર દ્વારા તેઓને દરિયાકિનારે પોતાની હોડીઓ લાંગરવા કે અન્ય કોઈ સુવિધા ઊભી કરવામાં આવી નથી.
મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે માછીમારો માટે સવલત મળી રહે તે માટે સરકારે જેટીનું નિર્માણ કર્યું હતું. જેથી માછીમારી કરી દરિયામાંથી પરત ફરતા વહાણ અને નાવડીઓ જેટી ઉપર લાંગરી શકે અને માછીમારો દરિયેથી લાવેલી માછલીઓના જથ્થાને આસનીથી નિયત સ્થાને ખસેડી શકે. પરંતુ જેટી બન્યા બાદ આ વર્ષે પહેલા આવેલી પુરની હોનારત અને દર માસે આવતી ભરતીના મોજાને કારણે બનાવવામાં આવેલી જેટી સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ છે જેના કારણે માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં માછીમારી કરીને માછલીઓનો જથ્થો લઇને પરત ફરતી અનેક બોટને જેટી ઉપર નહીં પરંતુ દરિયા કિનારાના ભાગમાં ઉભી રાખી મહામુશ્કેલીએ માછલીનો જથ્થો માછીમારો પોતાના સ્થાન સુધી પહોંચતો કરે છે.
જોકે આ સમગ્ર બાબતે સ્થાનિક માછીમારોએ ધારાસભ્ય કનુભાઇ દેસાઇને રજૂઆત કરી હતી. કનુભાઇ દેસાઇએ આ તમામ મામલે સરકારમાં ધારદાર રજૂઆત કરી હતી. જેના પરિણામે વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં પારડી ઉમરસાડી માછીવાડ માટે છ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ એ બાબતને આજે ખાસ્સો સમય વીતી ચૂક્યો છે અને હજી સુધી આ જેટી માટે કોઈપણ કામગીરી થઈ નથી. જેના કારણે માછીમારોની સમસ્યાનો હજી સુધી કોઇ પણ નિકાલ આવ્યો નથી.