- ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું અપહરણ
- અપહરણકારો અપહરણના બીજા દિવસે પણ પોલીસ પકડથી દૂર
- 2 કારમાં આવેલા શખ્સો બિલ્ડરનું અપહરણ કરી ગયા
વાપી : સોમવારે રાત્રે 9થી 10 વાગ્યા વચ્ચે ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું 2 કારમા આવેલા અપહારકારોએ અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે સોમવાર રાત્રિથી વલસાડ જિલ્લા પોલીસ તેને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરી રહી છે. તેમ છતાં બુધવારે બીજા દિવસે પણ અપહરણ થયેલા જીતુ પટેલ કે તેના અપહરણકારો અંગે કોઈ જ વિગતો મળી નથી. જેને લઈને બિલ્ડરના પરિવારમાં અને સગાસબંધીઓમાં શોકનું મોજું પ્રસર્યું છે.
પોતાના ઘરે પરત ફરતા સમયે થયુ અપહરણ
ઉમરગામમાં અક્રામારુતિ નજીક દયાળ પાર્ક બંગલામાં પરિવાર સાથે રહેતા 46 વર્ષના બિલ્ડર જીતુ મણીભાઈ પટેલ સોમવારની રાત્રે 9:40 કલાકે પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. તે સમયે ઘરથી થોડે દુર મુખ્ય માર્ગ પર તેમની કારને સફેદ કલરની ફોર્ચ્યુનર કાર અને હોન્ડા સીટી કારમાં આવેલા બે ડ્રાઇવર સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ રોકી જીતુ પટેલને તેની ફોર્ચ્યુનર કાર નંબર GJ 15 CG 9117માંથી હથિયાર બતાવી પોતાની કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા.
બિલ્ડરની કાર મળી પણ બિલ્ડરને અપહારકારો લઈ ગયા
જે ઘટના અંગે સાગર સંગને જાણ થતાં તેમણે તાત્કાલિક બિલ્ડરના ઘરે અને પોલીસ મથકમાં જાણ કરી હતી. અપહરણની ઘટનાને લઈને તાત્કાલિક જિલ્લા પોલીસવડા, DYSP, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. જે દરમિયાન બિલ્ડરની કાર ડહેલી ગામમાં બિનવારસી મળી હતી. જેમાં બિલ્ડરના મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ મળી હતી. પરંતુ જીતુ પટેલ મળ્યા નહોતા.
અપહરણકારો પોલીસને ચકમો આપી ગયા
પોલીસે સઘન તપાસમાં આસપાસના CCTV ચેક કરતા વિગતો મળી હતી કે, અપહરણ કરવા આવેલા ચાર શખ્સો પૈકી ત્રણ મજબૂત બાંધાના હતા. એક શખ્સ કાળી ચેક્સવાળો ગ્રે કલરનો શર્ટ તથા તેની સાથીદારોએ સફેદ કલરના શર્ટ પહેરેલા હતા. જે જીતુ પટેલનું અપહરણ કરી ભિલાડ ગરનાળાથી બહાર નીકળ્યા હતાં. જે બાદ તેઓ મુંબઈ તરફ કે સેલવાસ તરફ અથવા તો સુરત તરફ ગયા હોવાની શંકા સાથે તમામ બાજુ તપાસ હાથ ધરી હતી. જોકે અપહરણકારો જાણે આ વિસ્તારને સારી રીતે જાણતા હોય એમ પોલીસને ચકમો આપી ગયા હતાં. જેની ભાળ બીજા દિવસે પણ મળી નથી.
ઓફીસ- ઘર બહાર આંટાફેરા કરતા ભિખારી પર શંકા
પોલીસે આ અપહરણ કેસમાં તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. જેમાં બિલ્ડરના બંગલો- ઓફિસ આસપાસ થોડાક દિવસથી ભિખારીના વેશમાં એક વ્યક્તિ બેસી રહેતો હતો. જે એકાએક ગાયબ થઈ ગયો છે. એ વાત પોલીસને જાણવા મળતા એ દિશા તરફ પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
વલસાડ પોલીસ બે દિવસે પણ અપહરણનું પગેરું શોધવામાં નિષ્ફળ
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જીતુ પટેલ સાલસ સ્વભાવના હતાં. કોઈ વિવાદમાં પડતાં નહોતા છતાં તેમનું અપહરણ થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. જ્યારે વલસાડ પોલીસ બે દિવસે પણ અપહરણનું પગેરું શોધવામાં નિષ્ફળ રહેતા જીતુ પટેલના પરિવારમાં અને સગાસબંધીઓમાં શોકનું મોજું પ્રસર્યું છે.
આ પણ વાંચો : ઉમરગામ પોલીસે ગૌવંશ તસ્કરી કરનાર સંજાણના શખ્સની કરી ધરપકડ